Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

પતિની હરકતોથી કંટાળી ગઈ છું : પત્નીની ફરિયાદ

પતિ ઓનલાઈન ગંદા ચેટિંગના રવાડે ચડ્યો : લોકડાઉન અને પછી વર્ક ફ્રોમ હોમમાં પતિ એવા ઊંધા રવાડે ચડ્યો કે વર્ષોની કમાણીના રુપિયા પણ ઉડાવી માર્યા

અમદાવાદ,તા.૧૯ : કોરોનાના કારણે ઘરે રહી કામ કરતાં લોકો માનસિક રીતે હેરાન થાય છે સાથે વિકૃતતા પણ વધી છે ત્યારે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી અને બુટિક ચલાવતી પરિણીતા પતિની હરકતોથી કંટાળી ગઈ હતી. લોકડાઉનના કારણે વર્ક ફ્રોમ હોમ કરી રહેલા પતિ ફેસબુક પર ફેક આઈડીથી અને વોટ્સએપમાં છોકરીઓ સાથે ગંદી વાતો અને ગંદા વીડિયો મોકલી ચેટ કરતા હતા. આ હરકતો અંગે પરિણીતાને જાણ થતાં તેણે પતિના મિત્રને જાણ કરી હતી છતાં પતિ સુધરવા તૈયાર ન થતાં મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે પતિને આ રીતે ન કરવા અને સાયબર ક્રાઈમ અંગે માહિતી આપી હતી.

પરિણીતાને પણ આ બાબતે પતિ સામે ફરિયાદ કરવી હોય પોલીસ સ્ટેશનમાં તેઓને મોકલી આપ્યા હતા. મહિલા હેલ્પલાઇન અભયમ ૧૮૧ને ઘાટલોડિયા વિસ્તારમાંથી મહિલાનો ફોન આવ્યો હતો કે, પતિની હરકતોથી શારીરિક અને માનસિક કંટાળી ગઈ છે. જેથી મહિલા હેલ્પલાઇન લાઈનની ટીમ ત્યાં પહોંચતા જાણવા મળ્યું હતું કે, પરિણીતાના પતિ ટ્રાવેલનું કામ કરે છે અને મહિલા બુટિક ચલાવે છે. લોકડાઉનના કારણે પતિ વર્ક ફ્રોમ હોમ કરે છે. લોકડાઉનએ પતિનું મગજ બગાડી નાખ્યું છે. પતિ ફેસબુક પર ફેક આઈડી અને વોટ્સએપ પર છોકરીઓ સાથે ગંદી વાતો અને ગંદા વીડિયો મોકલે છે.

ઘરે બેસી આ કામ કરે છે અને ઘરમાં પૈસા ન હોવાથી બુટિકમાંથી ઘર ચલાવે છે. ભવિષ્યમાં કામ આવે તેના માટે એફડી કરાવી હતી. એફડીના પૈસા પણ છોકરીઓ પાછળ વાપરી નાખ્યા હતા. ફોનમાં ચેટ અને વીડિયો જોઈ પરિણીતા હેરાન થઈ ગઈ હતી અને પતિના મિત્રને જાણ કરી હતી. જો કે પતિને સમજાવતાં ફરી આવું નહિ કરે એમ જણાવ્યું હતું જો કે આ હરકતો ચાલુ હતી. બહાર જવાની પરિણીતા ના પડે તો તેની સાથે સેક્સ્યુઅલ હેરેસમસન્ટ કરતાં હતાં. આ ત્રાસથી પરિણીતા ખુબજ કંટાળી ગઈ હતી. જેથી તેણે આ મામલે મહિલા હેલ્પલાઇનની મદદ લેતા તેમને સમજાવ્યા હતા. તમામ કાયદાકીય માહિતી આપી હતી. પરિણીતાને પતિ સામે ફરિયાદ કરવી હોવાથી પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા.

(9:18 pm IST)