Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કોરોનાનો ડર વધતા હવે દિવસે પણ ઘણા વિસ્તારોમાં કર્ફયુ જેવો માહોલ

લોકો હવે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છેઃ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળતુ શહેર

અમદાવાદ, તા.૨૦: કોરોનાનો ડર વધતા હવે દિવસે પણ કર્ફયુ જેવો માહોલ દેખાઈ રહ્યો છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે.જેને લીધે રસ્તાઓ ખાસ કરીને બપોરના સમયે સુમસામ દેખાઈ રહ્યા છે.એક રીતે જોવા જઈએ તો અમદાવાદ હવે સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળતુ હોય તેવુ લાગી રહ્યુ છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ વધવા સાથે હવે મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે અને કોરોનાની વિસ્ફોટક બની ગયેલી સ્થિતિમાં હવે રાજયમાં ૧૦ હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.અમદાવાદની સરકારી અને ખાનગી સહિતની તમામ હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે ત્યારે હવે લોકોમાં પણ ધીરે ધીરે કોરોનાનો ડર ફેલાઈ ગયો છે અને લોકોમાં ફેલાયેલા ડર અને ભયના માહોલની અસર શહેરમાં દેખાઈ રહી છે. સરકારે તો ઘણા દિવસોથી અમદાવાદમા નાઈટ કર્ફયુ લાગુ કર્યો છે ત્યારે રાત્રે ૯ વાગ્યા બાદ તો શહેરમા કર્ફયુની સ્થિતિ  વચ્ચે લોકો રસ્તા પર દેખાતા નથી પરંતુ હવે તો દિવસે પણ ઘણા વિસ્તારોમાં કર્ફયુનો માહોલ દેખાઈ રહ્યો છે. અમદાવાદના  કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને પશ્યિમના વિસ્તારોમાં વેપારીઓઃદુકાનદારો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે અને જેના  લીધે દિવસે પણ રસ્તાઓ સુમસામ દેખાઈ રહ્યા છે.

લોકો દિવસે કામ પુરતુ જ બહાર નીકળી રહ્યા છે.સરકારી કચેરીઓમાં  અને ખાનગી કંપનીઓમાં ૫૦ ટકા જ સ્ટાફનો નિયમ કરી દેવાતા તેની અસર પણ રસ્તાઓ પર દેખાઈ રહી છે.ઉપરાંત સીટી ટ્રાન્સપોર્ટની તમામ બસો પણ બંધ છે. બજારોમાં પણ લોકોની ભીડ દ્યણી સામાન્ય દેખાઈ રહી છે. સાંજના સમયે પણ જે ટ્રાફિક થતો હતો તે હવે દ્યણો દ્યટી ગયો છે. એક બાજુ કોરોનાનો ડર અને બીજી બાજુ હાલ અમદાવાદમાં ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને બપોરના સમયે તો કેટલાક વિસ્તારોમાં જાણે તો ખરેખર ટોટલ લોકડાઉન અને કર્ફ્યુ હોય તેવો માહોલ ઉભો થયો છે.એકંદરે કોરોનાની પ્રથમ લહેર બાદ થોડા સમય પહેલા ફરી ધબકતુ અને દોડતુ થયેલુ અમદાવાદ શહેર ફરી એકવાર શાંત થવા તરફ જઈ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.

(10:24 am IST)