Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

૨૪ કલાકમાં બાંધકામના પ્લાન પાસેનો વાયદો પણ છેલ્લા દોઢ મહિનાથી પ્લાન પાસ થતા નથી

સોફટટેડ કંપની અને કર્મચારીઓ વચ્ચે વિવાદને પગલે ઓનલાઇન પ્લાન પાસની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે

અમદાવાદ,તા.૨૦: રાજયભરમાં ઓનલાઈન પ્લાન પાસ કરવા માટે ODPS સિસ્ટમ અમલમાં મુકાઈ છે પણ ODPS સિસ્ટમનું સંચાલન કરતી સોફ્ટટેક કંપનીની અવ્યવસ્થાના કારણે અમદાવાદ સહિત રાજયભરમાં ઓનલાઈન પ્લાન પાસ સિસ્ટમ ડખે ચઢી ગઈ છે.

રાજય સરકાર અમદાવાદ સહિત રાજયભરમાં ૨૪ કલાકમાં બાંધકામના પ્લાન પાસનો વાયદો કર્યો હતો પણ છેલ્લા દોઢ મહિનાથી પ્લાન પાસ થતા નથી. સોફ્ટટેક કંપની અને કર્મચારીઓ વચ્ચે વિવાદને પગલે ઓનલાઈન પ્લાનપાસની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. છેલ્લા દોઢ મહિનાથી પ્લાન પાસ તો દૂર અરજીઓ પણ એપ્રુવ થતી નથી.

રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા બાંધકામના પ્લાન પાસ કરવા માટેની વ્યવસ્થામાં વધુ પારદર્શિતા આવે તે માટે આખી વ્યવસ્થાને ઓનલાઈન કરી દીધી હતી. બે વર્ષ પહેલાં ઓનલાઈન પ્લાન પાસ કરવા માટે ODPS સિસ્ટમ અમલમાં મુકવામાં આવી હતી જેમાં પહેલા તમામ પ્રકારના પ્લાન પાસ થશે એવી જાહેરાત કરાઈ હતી પછી સોફ્ટવેરમાં ડખા સર્જાયા હતા. આથી, માત્ર ૧૫ મીટર સુધીના પ્લાન પાસ ઓનલાઈન કરવાની વ્યવસ્થા અમલમાં મુકાઈ હતી જયારે ૧૫ મીટરથી વધુ ઉંચાઈના પ્લાન ઓફ્લાઇન પાસ કરવામાં આવી રહ્યા છે.

જોકે, હાલ ૧૫ મીટર સુધીના બાંધકામના પ્લાન પણ ઓનલાઇન પાસ થતા નથી. સૂત્રો કહે છે કે, આ આખી સિસ્ટમનું સંચાલન સોફ્ટટેક નામની કંપની કરે છે પણ આ કંપનીના કર્મચારીઓને નિયમિત પગાર મળતો નથી. આ મુદ્દે કંપની અને કર્મચારીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ સંદર્ભમાં ઉકેલ ન આવતા દોઢ મહિનાથી આખી સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે બંગલા, રો હાઉસસહિતની નાની રહેણાંક અને કોમર્શિયલ બાંધકામના પ્લાન પાસ થઈ રહ્યાં નથી.

(10:25 am IST)