Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ચેકરિટર્નના કેસમાં અમદાવાદ સ્થિત મહિલાને ૯૦ દિવસની સજા અને ચેકની ડબલ રકમનો દંડ ફટકારતી અદાલત

આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ૯૦ દિવસની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા. ૨૦ :. ઉધાર માલ લઈ બદલામાં આરોપીએ ચેક આપી, ચેક મુજબની રકમ ન ચુકવતા મોરબી ચીફ કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા, ડબલ રકમનો દંડ તેમજ ૯ ટકા અરજીની તારીખથી વ્યાજ અને જો વ્યાજ અને દંડ ન ચુકવે તો બીજી ૯૦ દિવસની સાદી કેદની સજા કોર્ટે ફરમાવી હતી.

અત્રેના બનાવની વિગત એવી છે કે, અમદાવાદની દર્શિત કોર્પોરેશનના પ્રોપરાઈટર મેઘાબેન ઉપાધ્યાયે મોરબી મુકામે આવેલ સેગમ સીરામીક પ્રા.લી.માંથી તા. ૨૪-૬-૨૦૧૭ના રોજ ટાઈલ્સ ખરીદ કરેલ અને તેના બદલામાં બંધન બેંક, અમદાવાદ શાખાનો ચેક આપેલ. જે ચેક આપતી વખતે ફરીયાદીને એવુ વચન અને વિશ્વાસ આપેલ કે તમો બેંકમાં ચેક વટાવવા માટે નાખશો ત્યારે ચેક મુજબની રકમ તમોને મળી જશે. ફરીયાદી કમલેશભાઈ રાજકોટીયાએ સમય મર્યાદામાં ચેક બેંકમાં વટાવતા જે ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફરતા, આરોપીને ટેલીફોનિક તેમજ નોટીસ દ્વારા જાણ કરેલ છતા આરોપીએ ચેક મુજબની રકમ ફરીયાદીને ન ચુકવતા મોરબીના ચીફ કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુ. એકટ ૧૩૮ મુજબ ફરીયાદીએ કેસ દાખલ કરેલ.

ત્યાર બાદ આરોપી સામે કોર્ટે સમન્સની બજવણી કરતા આરોપી તેમના એડવોકેટ સાથે રૂબરૂ હાજર થયેલ અને આરોપીએ અમોને ગુનો કબુલ ન હોય જેથી કેસ આગળ ચલાવવા માંગતા હોય તેથી આ કેસ ચાલી ગયેલ. જેમાં ફરીયાદીના એડવોકેટશ્રીએ જરૂરી આધાર પુરાવાઓ તેમજ વિવિધ ચુકાદાઓ તથા દલીલ કરતા નામદાર કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા, ડબલ રકમનો દંડ તેમજ અરજીની તારીખથી ૯ ટકા વ્યાજ સહિત રકમ ચુકવી આપવા તેમજ વળતર અને વ્યાજની રકમ જો આરોપી ચુકવવામાં કસુર કરે તો બીજા ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવી તેવો હુકમ મોરબી ચીફ કોર્ટે કરેલ છે.

આરોપી મેઘાબેન કોર્ટમાં સજાના હુકમ અંગે હાજર થતા કોર્ટ દ્વારા ચેક મુજબની રકમ, દંડ, વળતર અને વ્યાજની કોઈ રકમ ન ભરતા આરોપીને જેલહવાલે કરેલ છે. આ કામમાં ફરીયાદી સેગમ સીરામીક પ્રા.લી.ના એડવોકેટ તરીકે રમેશ બી. દાવડા રોકાયેલ હતા.

(3:14 pm IST)