Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

માનવતાથી મોટો કોઇ ધર્મ નહી

વડોદરામાં મસ્જિદને બનાવી દીધી કોવિડ હોસ્પિટલ

જહાંગીરપુરા મસ્જિદ ઉપરાંત દારૂલ ઉલૂમમાં પણ ૧૨૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છેઃ સંસ્થાના સંચાલકોએ વહિવટીતંત્ર સાથે મળીને આ વ્યવસ્થા કરી છે

વડોદરા, તા.૨૦: દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. એવામાં વડોદરા શહેરમાંથી એક પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. અહીં એક મસ્જિદને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. કોરોનાના દર્દીઓનું ધ્યાન રાખવા માટે જહાંગીરપુરા મસ્જિદમાં ૫૦થી વધુ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જે જે હોસ્પિટલોમાં જગ્યા મળી નથી તેમની અહીં સારવાર કરવામાં આવી રહી છે.

મસ્જિદના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઓકિસજન અને પથારીઓની અછતના કારણે મસ્જિદને કોવિડ હોપ્સિટલમાં ફેરવવાનો નિર્ણય લીધો છે. રમઝાન મહિનામાં લોકો માટે જે સારું થઇ શકતું હતું તે હું કરી રહ્યો છું.

જહાંગીરપુરા મસ્જિદ ઉપરાંત દારૂલ ઉલૂમમાં પણ ૧૨૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્થાના સંચાલકોએ વહિવટીતંત્ર સાથે મળીને આ વ્યવસ્થા કરી છે.

વડોદરામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. કોરોના દર્દીની ઝડપથી સંખ્યા વધતાં હોસ્પિટલોમાં બેડ ઓછા પડી ગયા છે. આ મુશ્કેલ દ્યડીમાં લોકોની મદદ માટે ઘણા ધાર્મિક સ્થળ આગળ આવી રહ્યા છે.  તમને જણાવી દઇએ કે વડોદરામાં જ સ્વામીનાયારણ મંદિરમાં ૫૦૦ બેડની સુવિધાવાળી હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં કોરોના દર્દીઓને આઇસોલેટ કરવામાં આવે છે અને જરૂર પડતાં તેમને ઓકિસજન પણ આપવામાં આવે છે.

(4:09 pm IST)