Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કોરોનાની પરિસ્‍થિતિને પહોંચી વળવા સરકાર સક્ષમ હોવાનો દાવો

RT-PCR ટેસ્‍ટ, રેમડેસિવિર ઈન્‍જેકશન,ઓક્‍સિજન, હોસ્‍પિટલમાં બેડની વ્‍યવસ્‍થા અને ડેશબોર્ડ પર પારદર્શક માહિતીની વ્‍યવસ્‍થા કરી છે : રાજય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યુ

અમદાવાદ, તા.૨૦: રાજયમાં કોરોનાની સ્‍થિતિ વકરતી જાય છે. ગઇકાલે રાજયમાં નવા ૧૧ હજારથી વધુ કેસ નોંધાયા હતા અને ૧૧૭ દર્દીનાં મોત નિપજયાં હતાં. કોરોનાની સ્‍થિતિને જોતાં હાઇકોર્ટે રાજય સરકારને ઓક્‍સિજન, બેડ, રેમડેસિવિર વગેરે અંગે ફટકાર લગાવી હતી અને સોગંદનામું રજૂ કરવા જણાવ્‍યું હતું. આજે સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. સોગંદનામામાં કોવિડની પરિસ્‍થિતિને પહોંચી વળવા સરકાર સક્ષમ હોવાનો દાવો કરાયો છે.

સોગંદનામામાં સરકારે દાવો કર્યો છે કે, RT-PCR ટેસ્‍ટ, રેમડેસિવિર ઈન્‍જેકશન,ઓક્‍સિજન, હોસ્‍પિટલમાં બેડની વ્‍યવસ્‍થા અને ડેશબોર્ડ પર પારદર્શક માહિતીની વ્‍યવસ્‍થા કરી છે. ૩૦ એપ્રિલ સુધીમાં ૧ લાખ બેડ ઉપલબ્‍ધ કરાવશે. કોવિડ પરિસ્‍થિતિને પહોંચી વળવા સરકાર સક્ષમ હોવાનો દાવો કરાયો છે. સાથે જ કહેવાયું છે કે, ગુજરાત રાજયમાં હાલ ૭૯,૪૪૪ કોવિડ દર્દીઓ માટે બેડ ઉપલબ્‍ધ છે. કોરોનાની સ્‍થિતિ માટે ડેશ બોર્ડ ઉભું કર્યું જેમાં એક્‍ટિવ કેસ, મૃત્‍યુઆંક, રિકવર દર્દીઓના આંકડા આપવામાં આવે છે. હોસ્‍પિટલમાં બેડની વ્‍યવસ્‍થા માટે ડેશબોર્ડ ઉભું કરાયો હોવાનો અને રિયલટાઈમ બેડ માહિતી માટે ડેશબોર્ડ ઉભું કરાયાનો દાવો કરાયો છે.

સાથે જ સરકારનું કહેવું છે કે, અમદાવાદ GMDC ગ્રાઉન્‍ડ ખાતે ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્‍ટિંગ માટે વ્‍યવસ્‍થા કરી છે. ડ્રાઇવ થ્રુ ટેસ્‍ટિંગ વ્‍યવસ્‍થામાં દરરોજ ૨થી ૩ હજાર ટેસ્‍ટ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. જયારે રાજયમાં વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં જીએમડીસીમાં આવેલા યુનિવર્સિટી કન્‍વેન્‍શન સેન્‍ટરમાં ૯૦૦ બેડનું કોવિડ કેર સેન્‍ટર શરૂ કરાશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તમામ આઠેય મહાનગરો અને ૩૩ જિલ્લામાં વ્‍યાપક રીતે વકરી ગયેલા કોરોના વાયરસના ડબલ મ્‍યુટેટ સ્‍ટ્રેઇન તથા વિદેશી સ્‍ટ્રેઇનની લપેટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૪૦૩ લોકો સંક્રમિત થયા છે. જયારે ૧૧૭ દર્દીઓના મોત નિપજયાં છે. એટલે કે, દર કલાકે ૪૭૫ નવા સંક્રમિતનો ઉમેરો થયો છે અને ૫ દર્દી મોતને ભેટ્‍યાં છે.

 

 

 

 

 

(4:15 pm IST)