Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

લોકડાઉનથી ગુજરાતમાં કોરોના સંક્રમણ નહીં ઘટે, સંપૂર્ણ લોકડાઉન કરવુ એ હજુ કોઇ રાજ્ય ૧૦૦ ટકા સ્વીકારતુ નથીઃ વિજયભાઇ રૂપાણી-નીતિનભાઇ પટેલ-સી.આર. પાટીલનો અભિપ્રાય

ગુજરાતમાં લૉકડાઉન અંગે મુખ્યમંત્રી શું માની રહ્યા છે?

"સ્વાભાવિક છે કે લોકો ભયભીત છે, એ આપણે સ્વીકારવું પડે. ભયભીત છે ત્યારે બીજા રસ્તા દેખાતા ના હોય તો એ એની પોતાની સમજ મુજબ કે ભાઈ હવે લૉકડાઉન આવશે અથવા તો લૉકડાઉન જરૂરી છે એવું ય સ્ટેટમેન્ટ ઘણા કરે જ છે કે તાત્કાલિક લૉકડાઉન કરી દેવું જોઈએ. લૉકડાઉન થશે એટલે એ એમ માને છે કે કોરોના લૉક થઈ જશે પણ એક વર્ગ, તજજ્ઞોનું એવું કહેવું છે લૉકડાઉનથી કોરોનાની ચેન જલદી નહીં તૂટે. તમારે ટેસ્ટિંગ મોટા પાયે કરીને, બધા કેસો, ભલે આંકડો કેસનો વધે, એને અલગ કરો, એને જરૂરી સારવાર આપી દો ત્યારે જ આ કોરોનાનું સંક્રમણ ઘટશે અને બીજી તરફ તમે એવી વ્યવસ્થા ઊભી કરો કે ભીડ એકત્ર ના થાય, અવશ્ય લોકો માસ્ક પહેરે, લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, વેક્સીન પણ ઝડપથી કરે લોકો અને આપણે એમાંથી બહાર નીકળીએ."

કોરોનાની ચેન તોડવી હોય તો લૉકડાઉન ઉપયોગી ખરું? નીતિન પટેલ શું માને છે?

"જુઓ લૉકડાઉન અંગે જુદા જુદા અભિપ્રાય આવે છે. જુદા જુદા નિષ્ણાતોની જે ચર્ચા આપણે જોઈએ છીએ તો ઘણાનો અભિપ્રાય એવો છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને સાબુથી હાથ ધોવાનો વારંવાર ઉપયોગ કરો તો આ બધું (લૉકડાઉન કે સંપૂર્ણ કર્ફ્યૂ) કરવાની જરૂર રહેતી નથી. લૉકડાઉન એ કોરોનાની ચેન તોડવામાં ઉપયોગી પણ થઈ શકે છે પરંતુ સામે લાખો લોકોની રોજગારી ઉપર, ધંધા-રોજગાર ઉપર, વ્યવસાય ઉપર પણ એની અસર થાય છે અને લૉકડાઉન કરવાથી કોરોનાની ચેન તૂટી જ જાય એવું પણ વૈજ્ઞાનિક રીતે કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી. કેટલાય દેશોમાં, કેટલાંય રાજ્યોમાં સતત લૉકડાઉન કર્યા પછી પણ કોરોનાના દર્દીઓ મોટા પ્રમાણમાં આવ્યા હતા. આપણે પણ ત્યાં અગાઉ લૉકડાઉન મોટા પ્રમાણમાં લાંબા સમય સુધી રાખીને સફળતાપૂર્વક એ વખતે ચેન તોડી શક્યા હતા પરંતુ આ બીજો જે તબક્કો છે એના વાયરસ જે પ્રમાણે છે, એની અસર જે છે એ ઝડપથી સંક્રમણ ફેલાવવાની છે એટલે તમે અડધો દિવસ બજાર બંધ રાખો અને અડધો દિવસ બજારમાં દુકાનો ઉપર ગ્રાહકોની ભીડ થાય તો એ અડધો દિવસ બંધ રાખેલું બજાર એ કેવી રીતે ઉપયોગી થાય એ પણ બહુ સમજી શકાતું નથી. એવી રીતે રાત્રે આપણે કર્ફ્યૂ એટલા માટે મુક્યો છે કે રાત્રે લોકો વધારે સમય હોટલો ઉપર, પાનના ગલ્લા ઉપર કે બીજી નાસ્તાની લારીઓ ઉપર કે ખાલી પોતપોતાની રીતે બજારમાં, ચોકમાં કે સોસાયટીના કમ્પાઉન્ડમાં બધા બાંકડા પર એમનેમ બેઠા હોય અને વાતોચીતો કરતા હોય, નજીકમાં બેઠા હોય અને સમય પસાર કરતા હોય તોસંક્રમણ થવાનો ભય વધારે થતો હોય છે એટલે રાત્રિ કર્ફ્યૂ આપણે નાખ્યો છે અને એનો અમલ સારી રીતે થઈ રહ્યો છે અને એ ઉપયોગી દેખાઈ રહ્યું છે. સંપૂર્ણ લૉકડાઉન કરવું એ હજુ લગભગ કોઈ રાજ્ય 100 ટકા સ્વીકારતું નથી. કોઈ વૈજ્ઞાનિકો, કોઈ નિષ્ણાતો પણ આ અંગે સ્પષ્ટ અભિપ્રાય હજુ આપી શકતા નથી."

લૉકડાઉન અંગે સી. આર. પાટીલ શું માને છે?

"જુઓ લૉકડાઉન કરવું કે નહીં કરવું એ રાજ્ય સરકારની સત્તા છે. આદરણીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી આખી પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને એમને હાઈકોર્ટે પણ કહ્યું છે કે હમણાં લૉકડાઉનની જરૂર નથી. મને પણ એવું લાગે છે કે જે રીતે હમણાં વ્યવસ્થા થઈ રહી છે, લોકોને બેડની નાની-મોટી અછત થઈ હશે પરંતુ એના વગર, બેડ મળ્યા જ નથી, કદાચ એને થોડા કલાકો રાહ જોવી પડી હશે પરંતુ એની ચોક્કસ વ્યવસ્થા થઈ છે. એટલે એ રીતે જોતાં પણ હું ચોક્કસપણે માનું છું કે રાજ્ય સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે અને તાત્કાલિક કોઈ લૉકડાઉનની જરૂર લાગતી નથી. બાકીનાં રાજ્યો કરતાં પ્રમાણમાં કેસોની સંખ્યા પણ ઓછી છે અને કેસોમાં જે રિકવરી છે, સાજા થવાના કેસોની સંખ્યા પણ ખૂબ સારી છે એટલે સફળતાપૂર્વક રાજ્ય સરકાર, અધિકારીઓ અને બાકીના NGO સાથે રાજકીય પાર્ટી પણ કામ કરી રહી છે."

(5:08 pm IST)