Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

અમદાવાદમાં કોરોનાની બીજી લહેર બેકાબુઃ સંક્રમણ અટકાવવા અગાઉ ફરજ બજાવી ગયેલા વિજય નહેરાને મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવા માંગણીઃ વિજયભાઇ રૂપાણીને રજુઆત

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબુ બની છે, ત્યારે અમદાવાદમાં પ્રતિદિન નવા કેસોનો આંકડો જૂના રેકોર્ડ તોડી રહ્યો છે. કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે અમદાવાદનું વહીવટી તંત્ર શક્ય એટલા તમામ પગલા ભરી રહ્યું હોવા છતાં સ્થિતિ ચિંતાજનક બની છે. ગત વર્ષે કોરોનાની શરૂઆતના સમયે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા વિજય નહેરાએ સારી કામગીરી કરી હતી, ત્યારે હવે ફરીથી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા વિજય નહેરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવાની માંગ ઉઠી છે.

અંગે ધંધૂકા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં તેમણે જણાવ્યું છે કે, હાલ અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગત વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે વિજય નહેરા ફરજ બજાવતા હતા. તે સમયે સામાન્ય ગતિએ કેસો વધતા વિજય નહેરા ટેસ્ટિંગ વધારી સાચા આંકડા પ્રસિદ્ધ કરતા હતા. જો કે સરકારની છબી ખરડાય નહીં, તે માટે તેમની કોઈ કારણ વિના બદલી કરી નાંખવામાં આવી હતી.

વિજય નહેરાએ કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે સારા અને અસરકારક પગલા લીધા હતા. તે સમયે તેમની કામગીરી ખરેખર બિરદાવવા લાયક હતી. જ્યારે આજે અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોને હોસ્પિટલોમાં જગ્યા નથી મળતી. ઓક્સિજનની અછત અને ઈન્જેક્શન પણ નથી. હાલના મ્યુનિસિપલ કમિશનર કોરોના સંક્રમણને વધતુ રોકવામાં તદ્દન નિષ્ફળ ગયા છે.

કોંગ્રેસ ધારાસભ્યએ માંગ કરી છે કે, IAS અધિકારી વિજય નહેરાને ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવે. જેથી તેઓ કોરોનાના સંક્રમણને કાબૂમાં કરવા માટે અસરકારક પગલા લઈ શકે.

(5:21 pm IST)