Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરનારા કોરોના વોરિયર્સ અને તેમના પરિવારજનો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો પ્રયાસ એટલે "કોરોના સેવાયજ્ઞ" : આચાર્ય દેવવ્રતજી

એક લાખ કોરોના વોરિયર્સના પરિવારજનોને બહુઉપયોગી કીટ વિતરણના લક્ષ્ય સાથે "કોરોના સેવાયજ્ઞ"નો શુભારંભ કરાવતા રાજ્યપાલશ્રી : કોરોના સેવાયજ્ઞમાં દેશ-વિદેશના સહયોગીઓ જોડાઈ રહ્યા છે

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનને "કોરોના સેવાયજ્ઞ"નું કેન્દ્ર બનાવીને કોરોના સંક્રમિત લોકોની અવિરત સેવા કરતા કોરોના વોરિયર્સ પ્રતિ તેમજ તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના અને આભાર વ્યક્ત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

આ પ્રયાસના ભાગરૂપે આજે રાજભવન ખાતે એક લાખ પાયાના કોરોના વોરિયર્સને બે મહિના ચાલે તેટલું રાશન અને જીવન જરૂરી ચીજ-વસ્તુઓ સાથેની બહુઉપયોગી કીટ વિતરણ કરવાના લક્ષ્યાંક સાથે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી જયંતિ રવિને પ્રતિકાત્મક કીટ અર્પણ કરીને રાજ્યપાલશ્રીએ "કોરોના સેવાયજ્ઞ"નો વિધિવત્ પ્રારંભ કરાવ્યો હતો. અગ્રસચિવ શ્રીમતી જયંતિ રવિએ રાજભવન દ્વારા થઈ રહેલા આ પ્રેરણાદાયક કાર્યને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વોરિયર્સને મળી રહેલું પ્રોત્સાહન તેમને વધુ પરિણામલક્ષી કાર્ય કરવાની પ્રેરણા આપશે.

ગુજરાત રાજભવન દ્વારા શરૂ કરાયેલા "કોરોના સેવાયજ્ઞ"માં અમદાવાદની યુવા અનસ્ટોપેબલ સંસ્થાનો સહયોગ મળી રહ્યો છે. સંસ્થાના સ્થાપક શ્રી અમિતાભ શાહે કોરોના વોરિયર્સ પ્રત્યે આભાર વ્યક્ત કરવાની તક મળવાનો આનંદ પણ આ તકે વ્યક્ત કર્યો હતો.

આ કોરોના સેવાયજ્ઞમાં દેશ-વિદેશના મહાનુભાવોનો સહયોગ મળી રહ્યો છે, તેમ જણાવતાં શ્રી શાહે ઉમેર્યું હતું કે, પીએસપી ગ્રુપ દ્વારા ૨૫૦૦ કીટ માટે તેમજ વેદાંતા સંસ્થા દ્વારા ૧૫૦૦ કીટ માટે સહયોગ આપવામાં આવ્યો છે, એટલું જ નહીં લંડનના પ્રખ્યાત ઉદ્યોગપતિ ધામેચા પરિવારે તેમના "લાડુ મા" ફાઉન્ડેશન વતી  જામનગર જિલ્લાના કોરોના વોરિયર્સ માટે ૧૫ હજાર કીટનો સહયોગ આપ્યો છે. તેમણે સૌ સહયોગીઓનો આ તકે આભાર પણ માન્યો હતો.

(7:23 pm IST)