Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

રેડક્રૉસના સેવા અને સમર્પણભાવ અન્ય સ્વયંસેવી સંસ્થાઓ માટે પ્રેરણારૂપ ગણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

કોરોના સંક્રમણ દરમિયાન રેડક્રૉસની સેવા પ્રવૃત્તિને રાજ્યપાલે બીરદાવી

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે કોરોના સંક્રમણના કઠિન સમયમાં રેડક્રૉસની સેવાને બિરદાવતાં જણાવ્યું છે કે, રેડક્રૉસના સભ્યોના સેવા અને સમર્પણભાવ અન્ય સ્વયંસેવી સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યાં છે.

રાજ્યપાલશ્રીએ કોરોના સંક્રમણ દરમિયાન રેડક્રૉસની સેવા પ્રવૃતિને બિરદાવી વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના આ કપરાકાળમાં નરરૂપી નારાયણની સેવા જ સર્વોત્તમ સેવા બની રહેશે. તેમણે હાલનો સમય જ સેવા માટેનો શ્રેષ્ઠ સમય છે, તેમ પણ જણાવ્યું હતું.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સ્ટેટ મેનેજિંગ કમીટીના સભ્યો અને રાજ્યની તમામ જિલ્લા તથા તાલુકા શાખાના પ્રતિનિધિઓને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા માર્ગદર્શન આપીને રાજ્યપાલશ્રીએ માસ્કના ઉપયોગ, સુરક્ષિત અંતરની જાળવણી, વારંવાર હાથ ધોવા-સ્વચ્છતાનું પાલન અને રસીકરણ ઝુંબેશ માટે વધુને વધુ લોકજાગૃતિ કેળવવા ભાર મૂક્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ સામે લોકજાગૃતિ અને લોકસેવાના વિવિધ કાર્યો દ્વારા રેડક્રોસ, ગુજરાત શાખાએ જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું જે અંતર્ગત ૮ લાખથી વધુ માસ્ક અને ૫ લાખ હાથના મોજાનું વિતરણ, હાથની સફાઇ માટે દોઢ લાખથી વધુ સાબુ અને ૨૫ હજાર થી વધુ સેનેટાઈઝરની બોટલનું વિતરણ, ૨૫૦૦ PPE કીટસ વિતરણ, ૪૫ હજાર પરિવારજનોને રાશનનું વિતરણ, રકતદાન શિબિર દ્વારા ૩૪ હજાર ૭૦૦ યુનિટ લોહી એકત્રિત કરવું. ઉપરાંત સ્ટેટ બ્રાન્ચ સહિત છ સ્થળે વેકસીનેશન સેન્ટર શરૂ કરી લોકોને રસીકરણ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

આ બેઠકમાં રાજ્યપાલશ્રીએ વધુ મજબૂતીથી સેવાપ્રવૃત્તિ માટે સભ્યોને પ્રવૃત્ત થવા માર્ગદર્શન આપ્યુ હતું. બેઠકની શરૂઆતમાં ઇંડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાન્ચના અધ્યક્ષ, ડૉ. ભાવેશ આચાર્યે રેડક્રોસ, ગુજરાત શાખાની પ્રવૃત્તિનો  ચિતાર આપ્યો હતો.

(7:28 pm IST)