Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

સ્કૂલવાનને શબવાહિની રૂપે જોઈને લોકો ચોંકી ગયા

સુરતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થયો : મૃતદેહોને સ્મશાન લઈ જવા માટે શબવાહિનીઓ ખૂટી પડવાના કારણે ખાનગી વાહનો મંગાવવામાં આવી રહ્યા છે

સુરત,તા.૨૦ : જેમ જેમ કોરોનાના આંકડા ઊંચા જઈ રહ્યા છે તેમ-તેમ તકલીફોમાં વધારો થઈ રહ્યો છે. પોતાના સ્વજનોને ગુમાવનારા લોકોને હોસ્પિટલથી સ્મશાન સુધી આજ સુધી ક્યારેય ના થયા હોય તેવા કડવા અનુભવો થઈ રહ્યા છે. અમદાવાદની જેમ સુરત અને મોટા શહેરોમાં સ્થિતિ કફોડી બની રહી છે. સુરતમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થવાના કારણે હોસ્પિટલો ઉભરાઈ રહી છે. બીજી તરફ મૃત્યુઆંક ઘટતા શબવાહિનીઓની સંખ્યા ઓછી પડી રહી છે. આવામાં શબવાહિનીની જગ્યાએ સ્કૂલવાનનો ઉપયોગ જોઈને લોકોને ભારે આંચકો લાગ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના વધુ ૧૮૭૯ કેસ નોંધાયા છે અને ૨૮ લોકોએ દમ તોડ્યો છે.

આવામાં હોસ્પિટલથી સ્મશાન સુધી વેઈટિંગ જોવા મળી રહ્યું છે. આવામાં મૃતદેહોને સ્મશાન લઈ જવા માટે શબવાહિનીઓ ખૂટી પડવાના કારણે હવે બહારથી ખાનગી વાહનો મંગાવવામાં આવી રહ્યા છે. આવામાં શબવાહિનીનું કામ કરતા સ્કૂલવાન જોઈને લોકોની આંખો ભરાઈ આવી હતી. દિપક સપકાલે કે જેઓ ફાયર ઓફિસર છે અને તેઓ કોરોનાના દર્દીઓ તથા શબવાહિનીની જવાબદારી સંભાળી રહ્યા છે તેમણે કહ્યું કે, કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે બે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યા છે.

જેમાં ૩૯ એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ કોન્ટ્રાક્ટ પર દોડી રહી છે. એમ્બ્યુલન્સ અને શબવાહીની તરીકે સ્કૂલમાં ઉપયોગમાં લેવાતા ખાનગી વાહનો જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. ગુજરાતમાં સોમવારે સાંજે ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧,૪૦૩ દર્દીઓ નોંધાયા છે અને ૪૧૭૯ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાના કુલ ૩૪૧૭૨૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

જ્યારે ૬૮૭૫૪ એક્ટિવ કેસો છે કે જેમાં ૩૪૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૬૮૪૧૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ ૧૧૭ દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક ૫૪૯૪ પર પહોંચ્યો છે. ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૪૨૦૭, સુરતમાં ૧૮૭૯, રાજકોટમાં ૬૬૩, વડોદરામાં ૪૨૬ નવા કેસો નોંધાયા છે.

(9:01 pm IST)