Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

રેમડેસીવર ઇન્જેંકશનનું વિતરણ કરવાના મામલે ગુજરાત હાઇકોર્ટે મુખ્ય સચિવ સહિતના સત્તાધીશોને નોટિસ ફટકારી : 15 દિવસમાં જવાબ માંગ્યો

તમારી સામે કાયદેસરની કાર્યવાહી ન કરવી તે અંગે સી.આર. પાટીલ તથા હર્ષ સંઘવીને ખુલાસો કરવા આદેશ

અમદાવાદ :સુરત ભાજપ કાર્યાલય પરથી રેમડેસીવર ઇન્જેંકશનનું પ્રજાને વિતરણ કરવાના મામલે હાઇકોર્ટમાં જાહેર હીતની રીટ થઇ છે. આ જાહેર હીતની રીટ અરજીમાં હાઇકોર્ટે રાજયના મુખ્ય સચિવ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ, ડ્રગ્સ એન્ડ કંટ્રોલ એડમીનીસ્ટ્રેટીવ ડીપાર્ટમેન્ટ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ધારાસભ્ય હર્ષ સંઘવી ઉપરાંત સુરત જિલ્લા કલેકટર તથા સુરત શહેર પોલીસ કમિશનરને નોટીસ કાઢીને બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા હુક્મ કર્યો છે. તેમાં અરજદાર તરફથી કરાયેલી રજૂઆત પરત્વે શું કાર્યવાહી કરી, ભારત સરકારના આદેશનું ગુજરાતમાં પાલન કરવા માટે શું કર્યું તેનો જવાબ રજૂ કરવા તાકીદ કરી છે. તેની સાથે તમારી સામે કાયદેસરની કાર્યવાહી ન કરવી તે અંગે સી.આર. પાટીલ તથા હર્ષ સંઘવીને ખુલાસો કરવા આદેશ આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી 5મી મે પર મુકરર કરી છે.

સુરત ભાજપના કાર્યાલય પરથી 5 હજાર રેમડેસીવર ઇન્જેંકશનનું વિતરણ કરવા અંગે અરજદાર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં જાહેર હીતની રીટ અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અને રાજયમાં રેમડેસીવીર ઇન્જેંકશનની ભારે અછત હતી. ત્યારે ભાજપે રેમડેસીવીર ઇન્જેંકશન ખરીદી તેનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ કુત્ય ભલે લોકોની ભલાઇ માટે હોય પરંતુ કાયદો તેને સ્વીકારતું નથી.

અરજદાર વતી એડવોકેટ આનંદ યાગ્નિકે એવી રજૂઆત કરી હતી કે, ફાર્મસી એક્ટની કલમ 42 અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિકસ એક્ટની કલમ હેઠળ આ કુત્ય ગેરકાયદેસર છે. જેમાં ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે. આ અંગે અરજદારે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ તેમના તરફથી કોઇ પગલાં લેવામાં આવ્યા ન હતા. સદ્દવિચાર જેવી સામાજિક સંસ્થા જે વર્ષોથી બિમાર માણસોની સેવા કરે છે. તે પણ દવા આપી શકતી નથી.

 આ પ્રકારની દવા રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ જ આપી શકે છે. અને જેની પાસે લાયસન્સ હોય તે જ આ ડ્રગ્સ રાખી શકે છે. પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા ધારાસભ્ય હર્ષ સંઘવી બંને પાસે રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટનું રજીસ્ટ્રેશન નથી કે ના તો તેઓ કોઇ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ લાયસન્સ ધરાવતાં નથી. એક રાજકીય પક્ષ આ પ્રકારનું કુત્ય કરી શકે નહીં. આના કારમે લોકોની જાનને જોખમને ખતરો છે. ભારત સરકારે એવું કીધું છે કે, રેમડેસીવીર ઇન્જેંકશનની અછતના કારણે એક્સપોર્ટ કરવાનું બંધ કર્યું છે. તેમ જ રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોઇપણ વ્યક્તિ કે સંસ્થા સરકાર સિવાય રેમડેસીવીર ભેગાં કરી શકશે નહીં. જો કરવામાં આવે તો તેની સામે તત્કાલ પગલાં લેવામાં આવે તેવો આદેશ કર્યો હતો. અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે ઉપરોક્ત સત્તાધીશોને નોટીસ ફટકારી હતી.

(10:09 pm IST)