Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

૮૪ ટકા વિદ્યાર્થીઓ માટે બોર્ડમાં એ-૧ ગ્રેડ કરતાં ગુજકેટ, જેઇઇ, નીટનું મહત્વ વધુ

ધો. ૧૧ કરતાં ધો. ૧૨ના વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓને વધુ મહત્વ આપ્યું : ધો. ૧૧ કરતાં ધો. ૧૨ના વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓને વધુ મહત્વ આપ્યું : ૫૯ ટકા વિદ્યાર્થીઓ માટે બોર્ડ-સ્પર્ધાત્મક પરીક્ષા મહત્વની, માત્ર ૪.૨ ટકા માટે એ-૧ ગ્રેડ અગત્યનો

સુરત તા. ૨૦ : ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી બોર્ડ પરીક્ષા, એ-૧ ગ્રેડ, સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની ગડમથલ વચ્ચે સુરતમાં થયેલા સર્વેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જે મુજબ, ધોરણ-૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૮૪ ટકા વિદ્યાર્થીઓ માટે બોર્ડમાં એ-૧ ગ્રેડ કરતાં ગુજકેટ, જેઇઇ, નીટનું મહત્ત્વ વધુ હોવાનું નોંધાયુ હતું. તેમાં પણ ધો. ૧૧ કરતાં ધો. ૧૨દ્ગક્ન વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓને વધુ મહત્ત્વ આપ્યું હતું.

સુરતની એક શાળાના આચાર્ય અને ૮ શિક્ષકોની ટીમ દ્વારા ધો. ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ૫૦૦ વિદ્યાર્થી અને ૭૦૦ જેટલા વાલીઓના બોર્ડ પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષા માટે અભિપ્રાયો લેવાયા હતા. વિદ્યાર્થીઓને ૪ અને વાલીઓને ૧ પ્રશ્ન પૂછીને મનોવૈજ્ઞાનિક પદ્ઘતિ પ્રમાણે સર્વે કરાયો હતો. વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષામાં ઊંચી ટકાવારીનું મહત્ત્વ છે કે પછી ગુજકેટ, જેઇઇ, નીટમાં ઊંચો સ્કોર જરૃરી છે એ પ્રશ્ન સાથે વિચારસરણી જાણવાનો પ્રયાસ કરાયો હતો.

જેમાં ધોરણ-૧૧ અને ૧૨ના ૮૪ ટકા એટલે કે ૫૦૦માંથી ૪૨૦ વિદ્યાર્થીઓએ જેઇઇ, નીટ, ગુજકેટનો સ્કોર વધુ મહત્ત્વનો હોવાનો સૂર આલાપ્યો હતો. જયારે ૫૯ વિદ્યાર્થીઓ એટલે કે ૧૧.૮ ટકાએ બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષા બન્ને મહત્ત્વના હોવાનો, માત્ર ૪.૨ ટકા વિદ્યાર્થીએ જ બોર્ડમાં એ-૧ ગ્રેડ લાવવો વધુ મહત્ત્વનો હોવાનો અભિપ્રાય આપ્યો હતો.

મેરિટના નિયમો, ધારા-ધોરણો બદલાતા માઠી અસર થઇ

શિક્ષણવિદોના જણાવ્યા મુજબ, એનઆઇટી, આઇઆઇટી સહિતની ટોચની ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટે જેઇઇ, મેડિકલમાં પ્રવેશ માટે નીટ પર વધુ ભાર મુકાઇ છે. બોર્ડનું ભારણ નહિવત કરી દેવાતા વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ બદલાઇ છે. તેજસ્વી વિદ્યાર્થીઓ જેઇઇ-નીટ પર વધુ ધ્યાન આપી હતી. બી ગ્રૂપના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા કરતા નીટમાં સારા સ્કોરની ચિંતા વધુ કરી રહ્યા છે. તે સામે એ-ગ્રૂપના વિદ્યાર્થીઓમાં માત્ર એનઆઇટી અને આઇઆઇટીમાં પ્રવેશનો લક્ષ્યાંક રાખતા હોય તેઓ જ જેઇઇ મેઇન, એડવાન્સ પર વધુ ધ્યાન આપે છે.

ધો. ૧૨ના ૨૫૦માંથી ૨૪૨ વિદ્યાર્થી જેઇઇ-નીટની તરફેણમાં

આચાર્યના જણાવ્યા મુજબ, ધો. ૧૧ના ૨૫૦માંથી ૧૭૮ અને ધો. ૧૨ના ૨૫૦માંથી ૨૪૨ વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વધુ મહત્ત્વની હોવાનો સૂર આલાપ્યો હતો. ધો. ૧૧ના ૫૫, ધો. ૧૨ના ૪ વિદ્યાર્થીઓએ બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષા બન્ને મહત્ત્વના હોવાનું જણાવ્યું હતું. ધો. ૧૧ના ૨૦૩, ધો. ૧૨ના ૨૩૯ વિદ્યાર્થીએ ટોચની ઇજનેરી, મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે એ-૧ ગ્રેડ મહત્ત્વના ન હોવાનો મત આપ્યો હતો. ધો. ૧૧ના ૧૬, ધો. ૧૨ના ૧૧ વિદ્યાર્થીએ એ-૧ ગ્રેડ લાવવો ઓછો જરૃરી હોવાનું જણાવ્યું હતું.

વાલીઓ પણ ગુજકેટ, જેઇઇ,

નીટ પર વધુ ધ્યાન આપે છે

સર્વેમાં વાલીઓના મત લેવામાં આવ્યા હતા. ૭૦૦ વાલીઓના અભિપ્રાયો પણ લેવાયા હતા. જેમાં ૩૧૦ વાલીઓએ બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષા બન્નેની સારી રીતે તૈયારી કરાવતી શાળાઓ પસંદ કરવાનો મત આપ્યો હતો. ૩૭૦ વાલીઓએ માત્ર જેઇઇ અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પર જ વધારે ધ્યાન કેન્દ્રીત કરવાનું મુનાસિબ માન્યું હતું. માત્ર ૨૦ વાલીએ બોર્ડની સારી રીતે તૈયારી કરાવતી શાળા પસંદ હોવાનું જણાવ્યું હતું. આમ, વિદ્યાર્થીઓની સાથે જ વાલીઓએ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓને વધુ મહત્ત્વ આપ્યું હતું.

 

(1:23 pm IST)