Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

મહેસાણામાં મહિલા આચાર્યએ પડોશીને ઉછીના બે હજાર ન આપતા હર્ષ સુથારે ખેલ્‍યો ખુની ખેલઃ પાના વડે હૂમલો કરતા મહિલાનું ઘટના સ્‍થળે મોતઃ પુત્ર ઇજાગ્રસ્‍ત થતા સારવાર હેઠળ

આ બનાવમાં સાચુ કારણ રૂપિયાનું છે કે અન્‍ય કોઇ તે દિશામાં પોલીસ તપાસ

મહેસાણા: મહેસાણામાં એક મહિલાને પાડોશીને બે હજાર ઉછીના નહીં આપવાની સજા મોત મળી છે. પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી 45 વર્ષીય મહિલાની માત્ર બે હજાર ઉછીના આપવાનો ઇનકાર કરતા હત્યા કરી દેવાઈ છે. પાડોશમાં રહેતા યુવાને મહિલાના પુત્ર પાસે ઉછીના બે હજાર માંગ્યા અને યુવાને પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. બસ આ વાતનો એટલી હદે ગુસ્સો આવ્યો કે પાડોશીએ ખેલી નાખ્યો ખૂની ખેલ ખેલ્યો હતો. મહિલા અને તેના પુત્ર ઉપર પાના વડે હુમલો કરતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાનો પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો હર્ષ સુથાર નામના પાડોશીની આ મામલે મહેસાણા પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

મહેસાણાના મોઢેરા ચાર રસ્તા વિસ્તારમાં આવેલો નવદીપ ફ્લેટ હાલમાં સમગ્ર મહેસાણા શહેરમાં ચર્ચાનું કારણ બન્યો છે. આ ફ્લેટમાં ખૂની ખેલ ખેલાયો છે. આ ખૂની ખેલ ખેલનાર બીજું કોઈ નહીં પણ આ જ ફ્લેટમાં રહેતો હર્ષ સુથાર નામનો એક યુવાન છે. આ ફ્લેટમાં રહેતા 45 વર્ષીય કલ્પનાબેન પટેલ અને તેમના પુત્ર રોનક પટેલ ઉપર હર્ષ સુથારે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કલ્પના બેન પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમનો 21 વર્ષીય પુત્ર રોનક પટેલ ગંભીર રીતે ઘવાયો હતો. હવે આપને સવાલ થશે કે, એક પાડોશીનું બીજા પાડોશી ઉપર જીવલેણ હુમલો કરવાનું કારણ શું? તો આપને જણાવી દઈએ કે આ ખૂની ખેલ ખેલવા પાછળ માત્ર 2000 રૂપિયા જેવી નજીવી રકમ જવાબદર છે.

હર્ષ સુથારે રોનક પટેલ પાસે 2000 રૂપિયા ઉછીના માગ્યા અને રોનક પટેલે આ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. તો હર્ષને એટલી હદે ગુસ્સો આવ્યો કે તે વાંદરી પાનું લઈને કલ્પના બેનના ઘરમાં ઘૂસી ગયો હતો. કલ્પનાબેન કઈ સમજે તે પહેલાં જ તેમના માથામાં પાનાના બે થી ત્રણ ફટકા મારી દીધા હતા. તે વખતે તેમનો પુત્ર રોનક આવી જતા રોનક ઉપર પણ આ શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે બુમાબુમ થતા અન્ય લોકો દોડી આવ્યા અને રોનકનો જીવ બચી ગયો હતો.

આ ઘટનામાં મોતને ભેટેલા કલ્પનાબેન પટેલ મહેસાણા તાલુકાના બોદલા ગામમાં પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ અન્ય પાડોશીઓને થતાં મોટી સંખ્યમાં લોકો ભેગા થઇ ગયા હતા અને હત્યારા હર્ષ સુથારને ઝડપી લીધો હતો. ત્યાર બાદ મહેસાણા બી ડિવિઝન પોલીસ અને 108ને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108ના કર્મચારીઓએ મહિલાની તપાસ કરતાં મૃત જાહેર કરી હતી. જ્યારે ઘાયલ બનેલા રોનક પટેલને સારવાર માટે લાયન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેણે માથાના ભાગે 20 જેટલા ટાંકા આવ્યા હતા. આ ઘટનાને પગલે રાત્રે 12 વાગ્યે મહેસાણા DySP અને બી ડિવિઝન પી.આઈ સારવાર માટે ખસેડવામાં આવેલા રોનક પટેલના નિવેદન માટે લાયન્સ હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલ બહાર મોડી રાત સુધી લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. હાલમાં રોનક પટેલની ફરિયાદના આધારે પોલીસે હત્યારા હર્ષ સુથાર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કહેવાય છે કે પહેલો સગો પાડોશી પણ અહીં એક પાડોશી એ માત્ર 2000 રૂપિયા જેવી નજીવી રકમ માટે બીજા પાડોશી ની હત્યા કરી દીધી છે.જો કે આ બનાવ પાછળ માત્ર પૈસા કે પછી બીજું કોઈ કારણ તે તો તપાસ બાદ જ બહાર આવશે.

(6:24 pm IST)