Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

પોલીસ સિંઘમ અવતારમાં: ટ્રાફિકના નિયમોની અવગણના કરી બેફામ વાહન ચલાવતા લોકો થઇ જાવ સાવધાન

સુરતમાં વધતા અકસ્‍માતોના બનાવને લઇ પોલીસ કમિશનરનો માસ્‍ટર પ્‍લાનઃ નિયમ ભંગ કરનારનું લાઇસન્‍સ કરાશે રદ્દ

સુરતઃ સુરત શહેરમાં અકસ્‍માતોના બનાવો દિવસે ને દિવસે ચિંતાજનક વધી રહ્યા છે. જેમાં ઘટાડો કરવા શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરની આગેવાનીમાં બેઠક યોજાઇ હતી. જેમાં પોતાના તેમજ અન્‍યોના જીવને જોખમમાં મુકી બેફામ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્‍યા છે. તેમજ આવા શખ્‍સોના લાઇસન્‍સ ત્રણ મહિના માટે સસ્‍પેન્‍ડ કરવા અને જો બીજી વાર ઝડપાય તો તેનું લાઇસન્‍સ કાયમી સસ્‍પેન્‍ડ કરવા આદેશ અપાયો છે.

કોઈ વાહન ચાલક જોખમી રીતે વાહન હંકારી અન્ય વ્યક્તિનો જીવ જોખમમાં મૂકતો હોય છે, ત્યારે સુરત શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તે અંગે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતાં. સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને કમિશનર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં પોલીસ કમિશનરે જોખમી વાહન ચલાવનાર વાહન ચાલકોના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવાનો તથા લાયસન્સ સસ્પેન્ડ થયેલાં વાહનચાલકો જો વાહન ચલાવતા ઝડપાય તો કાયમી સસ્પેન્ડ કરવામાં આવે તેવી નિર્ણય લીધો હતો.

બેઠકમાં પોલીસ કમિશનરએ આગામી વર્ષમાં ફેટલ અકસ્માતોનું પ્રમાણ ઘટે તેમજ મૃત્યુ દરમાં ઘટાડો થાય તેવા હેતુ સાથે સ્ટ્રેટેજીક એકશન પ્લાન ઘડવા જણાવ્યું હતું. બેઠકમાં એપ્રિલ મહિના દરમિયાન 97 તથા છેલ્લા ચાર મહિના દરમિયાન 197 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાહન ચાલકો સામે વિવિધ રીતે નિયમભંગ બદલ વાહનચાલકોનું પ્રથમ ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. અહીંએ પણ મહત્વનું છે કે, અત્યાર સુધીમાં જોખમી રીતે વાહનો ચલાવવા, મોબાઈલ પર ચાલુ ગાડીએ વાત કરવા સહિતના ગુનાઓ આચરનારા 2117 વાહન ચાલકોના લાયસન્સ ત્રણ મહિના માટે રદ કરવાની ભલામણ આર.ટી.ઓ વિભાગને કરવામાં આવી હતી.

જે પૈકી 1070 વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, સાથે જ જો ભવિષ્યમાં ફરી વખત આવી ભૂલ કરે તો કાયમી લાયસન્સ રદ્દ કરવાનો આદેશ પણ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં હવે કોઇ એક દિવસ નહી હોય કે એક પણ કાયદાનો ભંગ નહી થતો હોય. સામાન્ય જીવનમાં થતા તમામ ગુનાઓ લગભગ રોજેરોજ સુરતમાં થાય છે. જેમાં ટ્રાફીકનાં કાયદાઓનું તો રોજે રોજ સેંકડો લોકો દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે.

(6:25 pm IST)