Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજ્યમાં આગામી 4 દિવસ સુધીમાં હળવાથી ભારે વરસાદની આગાહી

સુરત, ભરૂચ, વલસાડ, નવસારી તાપી જિલ્લામાં અને જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડશે ; બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે

અમદાવાદ ; રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. અનેક વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. રાજ્યના મોટાભાગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 4 દિવસ સુધીમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, વલસાડ, નવસારી તાપી જિલ્લામાં અને સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. તો સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, દમણમાં પણ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી સાથે ચેતવણી પણ આપી છે કે, માછીમારોએ દરીયો ન ખેડવો, દરિયામાં ઊંચા મોજા અને કરંટ સક્રિય થઈ શકે છે.

આજે જૂનાગઢ જિલ્લાના બીલખા, ઉમરાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડી જવાથી નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું. ઉતાવળી નદીમાં ઘોડાપુર આવતાં લોકોને નદીના પટથી દૂર રહ્યાં હતાં. જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વિસાવદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વિસાવદર શહેરમાં એક કલાકમાં ધમાકેદાર બે ઈંચ વરસાદ ખાબકતાં શહેરની મુખ્ય બજારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો.

અમરેલી જિલ્લામાં અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વિઠ્ઠલપુર, ખંભાળીયા, ફતેપુર અને કેરીયાચાડ સહિતના ગામમાં વરસાદ પડતાં કેરીયાચાડ ગામે સ્થાનિક નદીમાં પૂર આવ્યુ હતું. અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મોટા આકડીયા, અમરાપુરમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. જાફરાબાદના ટીંબી,નાગેશ્રી,દુધાળા,મીઠાપુર સહિત ગામડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરંત ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ખાંભાના તાતણીયા, લાસા સહિતના ગ્રામ્ય વિસ્તારો સાથે ઘારીના ગોપાલ ગામમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા પંથકના છાપરી, લિખાલા ગાધકડા, વિજપડી, શેલણા સહિતના ગામોમાં વરસાદ નોધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં ઊના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ઊનાના ઊમેજ,પાતાપૂર,વાવરડા,કાંધી ,સામતાર,વ્યાજપર ,નાઠેજ સહીતના ગામોમાં વરસાદ પડતાં ખેતરોમાં ઊભા પાક આગોતરી મગફળી સહીતના પાકોમાં ભારે ફાયદો થવાની આશાથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

(12:08 am IST)