Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

નેશનલ ઓપન માસ્ટર્સ એથલેટીક્સ ચેમ્પિયનશીપમાં અમદાવાદના દશક્રોઇની શિક્ષિકાનું હથોડા ફેંક - ચક્ર ફેંક રમતમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

વડોદરા ખાતે આયોજિત ચેમ્પિયનશીપમાં શિક્ષીકા દર્શના પટેલે ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ અને હથોડા ફેંકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો: પોતાની જાત પરના દ્રઢ વિશ્વાસ, અથાગ મહેનત, અવિરત પરીશ્રમના કારણે જ નેશનલ લેવલ પર મેડલ જીતી શકાયો છે : દર્શના પટેલ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :   મુળ અમદાવાદ જીલ્લાના વિરમગામ પાસે આવેલા કટોસણ રોડની દિકરી અને હાલ અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકામાં આવેલ ગેરતપુર પ્રાથમિક શાળાના શિક્ષીકા દર્શના પટેલે નેશનલ ઓપન માસ્ટર્સ એથલેટીક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૨માં ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ અને હથોડા ફેંકમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે અંકિત કર્યો છે. દર્શના પટેલ શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક લોકોને રમત ગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહીત કરીને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે. દર્શના પટેલને રાષ્ટ્રીયકક્ષાની રમતમાં મેડલ જીતવા બદલ મિત્રો, અધિકારીઓ, શિક્ષકો, પરીવારજનો, વિદ્યાર્થાઓ અને શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તારીખઃ- ૧૬ થી ૧૯ જુન ૨૦૨૨ સુધી ગુજરાતમાં પહેલીવાર વડોદરામાં માંજલપુર સ્પોર્ટ્સ સંકુલ ખાતે નેશનલ ઓપન માસ્ટર્સ એથલેટીક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રાષ્ટ્રીય કક્ષાનો મહારમતોત્સવ આઝાદી કા અમૃત પર્વ, ખેલો ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા, ખેલેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા આયામોને વણી લઈને યોજવામાં આવ્યો હતો.. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને માસ્ટર્સ એથલેટિક એસોસિએશન ઓફ ગુજરાત તેના મુખ્ય આયોજકો હતા.
  નેશનલ ઓપન માસ્ટર્સ એથલેટીક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૨માં ગોલ્ડ મેડલ જીત્યા પછી પોતાના પ્રતિભાવમાં દર્શના પટેલે જણાવ્યું હતુ કે, બાળપણથી જ રાષ્ટ્રીય સ્તરની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું  મારૂ સ્વપ્ન હતુ. ઓલ ઇન્ડીયા સિવિલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશિપ ૨૦૨૦-૨૧માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચક્ર ફેંક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને  ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને આ ચેમ્પિયનશિપની ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વર્ષે વડોદરા ખાતે આયોજિત નેશનલ ઓપન માસ્ટર્સ એથલેટીક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૨માં ફરી ગુજરાતનું પ્રતિનિધીત્વ કરવાની મને તક મળીને મેં નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ જીત્યો છે. પોતાની જાત પરના દ્રઢ વિશ્વાસ, અથાગ મહેનત, અવિરત પરીશ્રમના કારણે જ મેડલ જીતી શકાયો છે. મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી અને હવે  ઓલ ઇન્ડિયા લેવલ પર ગોલ્ડ મેડલ જીતવાનું મારૂં સ્વપ્ન સાકાર થયું છે

(10:14 pm IST)