Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ બની

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા

નવી દિલ્હી, તા.૨૦: ગુજરાત રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે, જોકે, અમદાવાદમાં પણ હજુ વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. રવિવારે બફારાના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા. પરંતુ આજે તથા અઠવાડિયાના આગામી દિવસોમાં અમદાવાદમાં વરસાદ થવાની આગાહી છે. સોમવારે સવારથી વાદળો ઘેરાયા છે અને વરસાદ તૂટી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાનવિભાગના જણાવ્યા -માણે વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે આગામી દિવસોમાં રાજ્યના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે અરબી સમુદ્ર પર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિવાય રાજસ્થાન પર પણ સિસ્ટમ સક્રિય બની છે. અને વધુ એક વરસાદ લાવે તેવી સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમના લીધે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ તથા દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં રવિવારે તોફાની વરસાદ નોંધાયો હતો, જેમાં વિસાવદરમાં ૪ ઈંચ વરસાદ થયો હતો. અમરેલીના જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ૧૧ દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. આ સિવાય કેટલીક જગ્યાઓ પર વરસાદની ખેડૂતો દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ થવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ૧થી ૪ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. સારા વરસાદની શરુઆત થતા ખેડૂતો ઘણાં ખુશ છે.

 

(12:57 pm IST)