Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર મસ્તાનભાઇ મેઘાણીનું ૯૧ વર્ષે વડોદરામાં અવસાન


રાજકોટ તા. ૨૦ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર મસ્તાનભાઈ મેઘાણીનું ૧૮ જૂન ૨૦૨૨ના રોજ સાંજે ૬ કલાકે ૯૧ વર્ષે વડોદરા ખાતે નિધન થયું છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યાં છે. ૨૯ ડીસેમ્બર ૧૯૩૧ના રોજ ભાવનગર ખાતે જન્મેલા અને છેલ્લા ૨૦ વર્ષથી વડોદરા ખાતે નિવૃત્ત્। જીવન વિતાવી રહેલા મસ્તાનભાઈ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. એમનું સાલસ અને સરળ વ્યકિતત્વ સહુને સ્પર્શી જતું. ડેરી ટેકનોલોજીના ઉચ્ચ અભ્યાસ પછી તેઓ સ્વીડન અને કુવૈત ખાતે કાર્યરત રહ્યા હતા.
૧૯૪૬માં કડીમાં અભ્યાસ કરતા પુત્ર-બેલડા નાનકભાઈ અને મસ્તાનભાઈના જન્મદિવસે પ્રેમાળ પિતા ઝવેરચંદ મેઘાણીએ હ્રદયસ્પર્શી પત્ર લખ્યો હતો : તમે ફકત ભાઈઓ નથી, મિત્રો છો, જન્મસંગાથીઓ છો, એકબીજાના પૂરક છો, એક જ પંથના તીર્થ-યાત્રીઓ છો. શરીરે જુદા છતાં એકરસ અને એકરૂપ છો એમ માનજો. જોડીયા-ભાઈઓ માંડ એકાદ વર્ષનાં હતા ત્યારે માતા દમયંતીબેનનું નિધન થયું હતું.પોતાના દરેક સંતાનના જન્મદિવસે, વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલાં પોતાના પુસ્તકો, ઝવેરચંદ મેઘાણી તેમને ભેટ આપતા. દરેક પુસ્તકમાં સંતાન પર લાગણીભર્યો સંદેશો લખીને નીચે પોતાની સહી કરે. સંતાનો પણ પોતાના જન્મદિવસે બાપુજીની આ મહામૂલી ભેટની આતુરતાપૂર્વક રાહ જોતા.
પોતાના એક જન્મદિવસે નાનકભાઈ-મસ્તાનભાઈ બાપુજીને વ્હાલથી ભેટ્યા અને ચરણ-સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા. ભેટ-પુસ્તકોમાં લિ. ઝવેરચંદ તરીકે પિતા સહી કરવા જતા હતા, ત્યાં જ બન્ને ભાઈઓ કહે : બાપુજી, ઝવેરચંદ તરીકે સહી કેમ ?  પ્રેમાળ પિતા તરત જ પોતાના વ્હાલા પુત્રોની લાગણી પામી ગયા અને બાપુજી તરીકે જ સહી કરી.મસ્તાનભાઈના જોડીયા-ભાઈ નાનકભાઈનું ૨૦ જુલાઈ ૨૦૧૪ના રોજ ૮૨ વર્ષે અમદાવાદ ખાતે નિધન થયું હતું.    
આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી એન્ડ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.  ૯૮૨૫૦ ૨૧૨૭૯ )

 

(1:01 pm IST)