Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અમેરિકામાં ન્‍યાયિક સર્કિટમાં કાયમી જજ તરીકે શપથ લેતી મુઝફફરનગરની જાનકી શર્મા

યુપીમાં શ્રીરામદરબાર કુટુંબમાં જન્‍મેલી જાનકી શર્મા રામાયણ પ્રત્‍યે લગાવ હોવાથી રામાયણ ઉપર હાથ રાખી શપથ લીધા

અમદાવાદઃ યુપીના મુઝફફરનગરથી અમદાવાદ આવી વસેલા જાનકી શર્માએ અમેરિકા જઇ અભ્‍યાસ કરી અમેરિકામાં સાતમા ન્‍યાયિક સર્કિટના કાયમી મેજિસ્‍ટ્રેટ જજ તરીકે રામ ચરિત માનસ પર હાથ મુકીને શપથ લઇ ભારતનું નામ રોશન કર્યુ છે.

વિદેશની ધરતી પર ભારતની વધુ એક દીકરીએ ભારત દેશનું નામ રોશન કર્યું છે. જાનકી વિશ્વમોહન શર્મા જે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં શ્રી રામ દરબાર પરિવારમાં જન્મેલી ભારતીય મહિલા છે.. જેણે અમેરિકામાં સાતમાં ન્યાયિક સર્કિટમાં કાયમી મેજિસ્ટ્રેટ જજ તરીકે શપથ લીધા છે. રામ ચરિત માનસ પર હાથ મૂકીને જાનકી શર્માએ શપથ લઈને અમેરિકામાં ભારત દેશનું નામ કર્યું છે. જાનકી શર્માનો અમદાવાદ સાથે પણ નાતો જોડાયેલો છે.

રામાયણ પ્રત્યે નાનપણથી લગાવ:

જાનકીના ભાઈએ કહ્યું-- શ્રી રામ દરબાર પરિવારમાં અમારો જન્મ થયો છે. મારા દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહનજી મહારાજ એક સમર્પિત રામાયણ ગાયક હતા. મારા પિતા પંડિત વિશ્વમોહનજી મહારાજ પણ રામાયણના ગાયક હોવાથી જાનકી નાનપણથી જ રામાયણના પાઠ શીખીને મોટી થઈ છે. જાનકી 1993થી રામાયણના પાઠ કરે છે. રામાયણ પ્રત્યે વિશેષ લગાવ હોવાથી તેણે રામાયણ ઉપર હાથ રાખીને શપથ લીધા હતા.

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં વિત્યું બાળપણ:

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં જાનકીનું બાળપણ વિત્યું છે. અને મુઝફ્ફનગરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. પરંતુ 1995માં માતા-પિતા અને ભાઈ બહેન સાથે અમદાવાદ આવી ગયા હતા.અમદાવાદમાં જાનકીએ ધોરણ-8 થી ધોરણ-12નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો...અને 2001માં જાનકી અમેરિકા ગઈ હતી.અને સખત મહેનત બાદ જાનકી અમેરિકામાં જજ બની...

જાનકી શર્મા દેશની દીકરી:

રામાયણ ઉપર હાથ રાખીને જાનકી અમેરિકામાં શપથ લઈ રહી હતી તે સમયે ઘરમાં રામાયણનો અખંડ પાઠ ચાલતો હતો. જાનકીના ભાઈએ કહ્યું---અમારા પરિવારમાં તહેવાર જેવો માહોલ બની ગયો હતો. તેની આ સફળતા માત્ર અમારા માટે જ નહીં પરંતુ ગુજરાત અને દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે. હવેથી  જાનકી  માત્ર અમારા પરિવારની દીકરી અને બહેન નહીં પરંતુ હવેથી એ દેશની દીકરી અને બહેન છે.

(5:40 pm IST)