Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

મતદાર તરીકે નામ નોંધણી માટે વર્ષમાં ૪ જુદી-જુદી લાયકાતની તારીખ જાહેર: મતદાર હવે મતદાર યાદીમાં આધાર નંબર દાખલ કરાવી શકશે: મતદાર યાદીમાં સુધારા-વધારા અંગેના નિયત ફોર્મમાં ફેરફાર: ૧લી ઓગસ્ટ, ૨૦૨૨થી અમલ

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચ દ્વ્રારા મતદારલક્ષી કેટલાંક મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા  છે. જે મુજબ હવે નવા મતદાર તરીકે નામ નોંધાવવા લાયકાતની વર્ષમાં ૪ જુદી-જુદી તારીખ નક્કી કરવામાં આવી છે. એટલે કે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર નવા મતદાર વર્ષ દરમ્યાન નિર્ધારીત કરવામાં આવેલી ચાર જુદી-જુદી તારીખે મતદાર તરીકેની યોગ્યતા પૂર્ણ કરે તો મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે.હાલની મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદાર અથવા તો નવા સામેલ થનાર મતદારો માટે આધાર નંબર સ્વૈચ્છિક રીતે દાખલ કરવા તથા મતદાર તરીકે યાદીમાં સુધારા-વધારા કરવા માટેના ફોર્મ નં. ૬, ૭, ૮ માં સુધારો કરી નવા ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. જે ૧લી ઓગસ્ટ,૨૦૨૨થી લાગુ પડશે.મતદારો ફોર્મ- ૬બી ભરીને મતદારયાદીમાં આધાર નંબર ઉમેરી શકે છે.
કેન્દ્રિય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ભારતના ચૂંટણી પંચ સાથે પરામર્શ કર્યા બાદ લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦ (૧૯૫૦નો ૪૩મો)ની કલમ -૨૮માં મળેલી સત્તાની રૂએ મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦માં સુધારા અંગે તા.૧૭મી જૂન,૨૦૨૨ના જાહેરનામા દ્વારા જરૂરી અધિસૂચના જારી કરવામાં આવી છે. તે મુજબ મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦માં સુધારો કરવામાં આવતા હવે મતદાર નોંધણી (સુધારા) નિયમો, ૨૦૨૨ તરીકે ઓળખાશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉપરોક્ત નિયમોના નિયમ-૨૬માં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ નિયમ-૨૬ના પેટા નિયમ-૧એ મુજબ હવે મતદાર તરીકે નામ નોધણી માટે વર્ષ દરમ્યાન ચાર જુદી-જુદી લાયકાતની તારીખો નક્કી કરવામાં આવી છે. એટલે કે, તા.૧લી જાન્યુઆરી, ૧લી એપ્રિલ, ૧લી જુલાઇ અને ૧લી ઓકટોબરના રોજ મતદાર તરીકેની યોગ્યતા ધરાવતા હોવ એટલે કે ૧૮ વર્ષ પૂ્ર્ણ થતા હોય તો મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશે.
નિયમ-૫ અંતર્ગત સૈન્યમાં ફરજ બજાવતા કર્મચારી/અધિકારીઓ માટે તેમજ તેમનાં પત્નિ માટે મતદાર તરીકે નોંધાવવાનો વિકલ્પ મળેલ હતો. આવી સદર જોગવાઇનો ઉપયોગ સૈન્યમાં ફરજ બજાવતા પુરુષ અધિકારીઓ માટે થઇ શકતો હતો.જેમાં નવા સુધારા બાદ સૈન્યમાં ફરજ બજાવતા કર્મચારી/અધિકારીના ‘’ જીવનસાથી”  (Spouse) ને એવા મતદાર તરીકે નોંધણી કરાવવાનો  વિકલ્પ મળશે.      
તદઉપરાંત,  નિયમ-૧૩માં કરાયેલા સુધારા મુજબ હવે નવા મતદારોએ પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવવા માટે ફોર્મ- ૬ ભરવાનું રહેશે.તેવી જ રીતે હાલમાં મતદાર યાદીમાં સમાવિષ્ટ હોય તેવા મતદારો તેમના નામમાં કોઇ વાંધો હોય અથવા નામ કમી કરાવવા માંગતા હોય તો ફોર્મ- ૭ ભરવાનું રહેશે.મતદાર યાદીમાં કોઇપણ પ્રકારની એન્ટ્રી સામે વાંધો હોય અથવા હાલના મત વિસ્તારમાં આવેલ રહેઠાણ બદલાયું હોય અથવા અન્ય મતવિસ્તારમાં સ્થળાંતર કર્યું હોય તે માટે  અથવા હાલની મતદાર યાદીમાં કોઇપણ પ્રકારનો સુધારો-વધારો કરવાનો હોય તો ફોર્મ-૮ ભરવાનું રહેશે.

(5:42 pm IST)