Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

આણંદમાં સંયુક્ત માલિકીની જમીન બારોબાર વેચી દેનાર સાત શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ : આણંદ શહેરના ચાર શખ્સોએ ટી.પી નંબર-૧માં આવેલ સંયુક્ત માલિકીની મિલ્કત પૈકી  ૪૫૮ ચો.મી. જમીન લીંબડીના એક શખ્સને વેચી નાખી હોવાનો બનાવ આણંદ શહેર પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે વણવહેંચાયેલ મિલ્કત વેચનાર, ખરીદનાર તથા સાક્ષીઓ મળી સાત શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ શહેરની કસુજીની ખડકી, નાનુ અડદ ખાતે રહેતા નવીનચંદ્ર છોટાભાઈ પટેલની સંયુક્ત વારસદારોની વણવહેંચાયેલ જમીન/મિલ્કત સીટી સર્વે નં.૯૧૨, ટીપી નં-૧ કે જેનો ફાઈનલ પ્લોટ નં.૧૨૦ અને ક્ષેત્રફળ ૧૧૯૮.૧૨૫ ચો.મી.વાળી જગ્યા આવેલી છે. ઉલ્લેખનીય છે કે ગત તા.૩૧-૧૨-૧૯૬૩ના રોજ નડિયાદ કોર્ટે હિસ્સા પાડવાનું પ્રાથમિક હુકમનામું કરાયું હતું. પરંતુ આજદિન સુધી કોઈપણ જાતના હિસ્સા નક્કી થયા ન હોવાનું જાણવા મળેલ છે. આ મિલ્કતમાંથી ૪૫૮ ચો.મી. સંયુક્ત મિલ્કત મુકેશભાઈ હરીભાઈ પટેલ, અંજેશભાઈ હરીભાઈ પટેલ, નયનાબેન હરીભાઈ પટેલ અને જાગૃતિબેન હરીભાઈ પટેલ (તમામ રહે. આણંદ)નાઓએ ગત તા.૧૬મી માર્ચ-૨૦૨૧ના રોજ લીંબડી ખાતે રહેતા રૂપાભાઈ ખોડાભાઈ જોગરાણાને રૂા.૪૦ લાખમાં વેચાણ આપી હતી. જો કે આ મિલ્કતમાં વેચાણ કરનાર ચારેય વારસદારોનો કેટલો હિસ્સો, કઈ દિશામાં, કેટલા ચો.મી. કે ગુંઠા આવેલ છે તે નક્કી ન હોવાનું જાણવા છતાં કુલ મિલ્કતની અડધી મિલકત હોવાની ખોટી સાક્ષી તરીકે પાર્થ મુકેશભાઈ પટેલ (રહે.આણંદ) અને સતીષભાઈ રણછોડભાઈ પટેલ (રહે.લીંબાસી)એ સહી કરી હતી. આ બનાવ અંગે નવીનભાઈ પટેલે આણંદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ આપતા આણંદ શહેર પોલીસે ઉક્ત સાતેય શખ્સો વિરુધ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(6:35 pm IST)