Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વાપીમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો : વલસાડના પારડી.કપરાડા અને સુરતમાં એક ઇંચ

ઘણા દિવસથી કાળઝાળ ગરમી અને બફારાથી અકળાઈ ઉઠેલા સુરતીલાલાઓને વરસાદથી રાહત મળી

સુરત :રાજ્યમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું છે. વરસાદી આંકડા પ્રમાણે, વાપીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે સુરતમાં પણ છૂટોછવાયો વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી છે. જાહેર થયેલા વરસાદી આંકડા પ્રમાણે, વાપીમાં બે કલાકમાં બે ઇંચ, વલસાડના પારડીમાં એક ઇંચ, કપરડામાં 23 એમએમ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરતમાં સવારે 8 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરત શહેરમાં ગત મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદના પગલે શહેરનાં રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા છે. વરસાદનાં પગલે સુરત શહેરનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા દિવસથી કાળઝાળ ગરમી અને બફારાથી અકળાઈ ઉઠેલા સુરતીલાલાઓને વરસાદથી રાહત મળી છે.

વરસાદના પગલે વહેલી સવારે કામ-ધંધા અર્થે જતા લોકો તેમજ શાળાએ જતા બાળકોને થોડી તકલીફનો સામનો કરવો પડતો હતો. જોકે, જે પ્રકારે સુરત શહેરમાં અવિરત મેઘ મહેર થઇ રહી છે તેના પગલે વાતાવરણ હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા દિવસમાં સમયે પણ રાત્રી જેવું અંધારું છવાઈ ગયું છે. સુરત શહેરમાં સવારના 8 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

 

(6:52 pm IST)