Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વડોદરામાં રથયાત્રાની તડામાર તૈયારી :ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર પરિસરને રંગોથી સમજાવ્યુ

રથની મરામત સહિત સુથારી કામ અને ઇસ્કોન મંદિરનાં પરિસરમાં રંગરોગાનની કામગીરી જોરશોરથી શરૂ

વડોદરા :કોરોના કાળનાં બે વર્ષ બાદ આ વખતે અષાઢી બીજનાં દિવસે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. જેને લઇને તૈયારીઓ પૂર જોશમાં ચાલી છે. ઇસ્કોન મંદિર પરિસરમાં રંગરોગાનની કામગીરી ચાલી રહી છે. મંદિર પરિસરને સજાવવામાં આવી રહ્યુ છે. ભક્તો પણ ખૂબ આતુરતાથી રથયાત્રાની રાહ જોઇ રહ્યા છે.

મળતી માહિતી મુજબ 1 જુલાઇ અષાઢી બીજનાં દિવસે શહેરમાં રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. ત્યારે ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરમાં રથયાત્રા પૂર્વેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથની મરામત સહિત સુથારી કામ અને ઇસ્કોન મંદિરનાં પરિસરમાં રંગરોગાનની કામગીરી ચાલી રહી છે. મંદિરનું પરિસર વિવિધ રંગોથી રંગવામાં આવી રહ્યુ છે. ગોત્રીરોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાં બિરાજતા પ્રભુ જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાદેવી રથમાં આરૃઢ થઇને અષાઢી બીજે નગરયાત્રાએ નીકળશે. વડોદરાના લોકો આ ક્ષણની આખું વર્ષ રાહ જુવે છે કેમ કે ભગવાન સ્વયં દર્શન દેવા માટે શહેરના રાજમાર્ગ પર ફરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોના હોવાથી રથયાત્રામાં કડક નિયમોનું પાલન કરવુ ખૂબ જરૂરી બન્યુ હતુ. ભક્તોને લ્હાવો પણ મળ્યો ન હતો. તેથી આ વર્ષ નગરચર્ચાએ નિકળેલા ભગવાનનાં દર્શન કરવા માટે ભક્તો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રાજ્યમાં અમદાવાદમાં બાદ વડોદરામાં ભગવાન જગન્નાથની સૌથી મોટી રથયાત્રા નિકળે છે. દેશની સૌથી મોટી રથયાત્રા ઓડિસાનાં પૂરીમાં નિકળે છે

(7:41 pm IST)