Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ: 10 કદમથી રાજનીતિની ધરી બદલાઈ

કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપમાં પ્રવેશબંધી :સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કડક નિયમો સહિતના અનેકવિધ પગલાં લીધા

અમદાવાદ :  ગુજરાતની રાજનીતિનું કેન્દ્રબિંદુ બદલી દેનારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. ગુજરાત ભાજપના સુકાની તરીકે તેમણે ગયા વર્ષે જુલાઈ મહિનામાં પક્ષની કમાન સંભાળી હતી. આ એક વર્ષમાં સીઆર પાટીલનાં 10 કદમ ભાજપ માટે સફળતાનાં પગલાં સાબિત થયાં છે. અને કેટલીક વાતો એવી પણ છે જે તેમને વિવાદમાં ઢસડી ગઈ. તો વર્ષ 2022માં મિશન 182ની જવાબદારી જેમના શિરે છે

પાટીલના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. ગયા વર્ષે જુલાઈમાં કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાત ભાજપના નવા સુકાની તરીકે સીઆર પાટીલનું નામ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા.અધ્યક્ષ પદ સંભાળતાંની સાથે જ સી.આર. પાટીલે લીધેલા નિર્ણયોએ, એ વાત સ્પષ્ટ કરી આપી કે પીએમ મોદી અને કેન્દ્રીય નેતૃત્વએ તેમની પસંદગી કેમ કરી છે. વર્ષ 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ ફરીથી સત્તા પર આવે તેવા ધ્યેય સાથે તેમની પસંદગી કરવામાં આવી હતી અને મિશન 182ના મહામંત્ર સાથે જ સીઆર પાટીલ આગળ વધી રહ્યા છે. અમે આપને બતાવી રહ્યા છીએ સીઆર પાટીલનાં એ 10 કદમ. જેનાથી ગુજરાતની રાજનીતિની ધરી બદલાઈ ગઈ છે.

પાટીલની સફળતાનું પહેલું કદમ ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધારીને તેમને સક્રિય બનાવ્યા. રાજ્ય સરકારના મંત્રીઓની કમલમ પર બેઠક શરૂ કરાવી. પેજ પ્રમુખો અને પેજ સમિતિઓની રચના કરી. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં 100% પરિણામ હાંસલ કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વય મર્યાદા અને 3 ટર્મનો નિયમ બનાવ્યો. એક પરિવારમાંથી એક જ હોદો અથવા ટીકિટનો નિયમ બનાવ્યો. 6 મહાનગરપાલિકાઓમાં ભાજપે 100 ટકા જીત હાંસલ કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 90 ટકાથી વધુ બેઠકો પર ભાજપની જીત થઈ. કોવિડની બીજી લહેરમાં 17 હજારથી વધુ આઈસોલેશન બેડની વ્યવસ્થા કરી અને પાટીલની સફળતાનું દસમું કદમ. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં ન લેવાનો નિયમ બનાવ્યો. પ્રદેશ ભાજપના સેનાપતિ તરીકે સીઆર પાટીલે રણનીતિના ભાગરૂપે એવા નિયમો બનાવ્યા છે જેની નોંધ વિપક્ષને પણ લેવી પડી છે અને આગળ પણ લેવી પડશે.

નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના સેનાપતિ સી.આર. પાટીલ પોતાની કડક અને આક્રમક કાર્યપદ્ધતિ માટે જાણીતા છે. પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ સતત કાર્યકરો વચ્ચે રહ્યા અને કાર્યકરોને સીધો મેસેજ આપ્યો કે જે કામ કરશે તેને શિરપાવ મળશે. તેમણે સ્પષ્ટ કરી દીધું કે નેતાઓના જૂથમાં રહેવાથી ટિકિટ મળવાની કોઈ ગેરંટી નથી. ટિકિટ મેળવવા માટે પક્ષના નિષ્ઠાવંત સિપાહી બનીને કામ કરવું પડશે. સીઆર પાટીલ કોઈ પણ જાતની શેહશરમ કે ડગ્યા વગર જેટલા કઠોર નિર્ણયો લેવા માટે જાણીતા છે એટલા જ તેઓ દિલથી કોમળ છે. પરંતુ રાજનીતિમાં દિલની કોમળતા ઉપરાંત મીઠી જુબાન જરૂરી છે. અને એટલે જ સીઆર પાટીલના કેટલાક નિર્ણયોથી સંગઠનના સિનિયર નેતાઓ પણ નારાજ થયાની વાતો ઉઠી. અને સરકાર સાથે સંગઠનના સીધા ટકરાવની ચર્ચાએ પણ જોર પકડ્યું. સૌથી વધુ ચર્ચા ત્યારે થઈ જ્યારે, સીઆર પાટીલે પક્ષના કાર્યકરોને જૂથબંધીથી દૂર રહેવા ટકોર કરી. આનાથી એવો પણ મેસેજ ગયો કે ભાજપમાં પણ જૂથબંધી છે.

પોતાના પ્રવાસો દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતાં પણ પાટીલ ચર્ચામાં રહ્યા અને તેમની આલોચના પણ થઈ. ત્રીજી વખત વિવાદ થયો સંગઠનમાંથી સિનિયર નેતાઓની બાદબાકી કરવાથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક સિનિયર નેતાઓની ટિકિટ કપાતાં પાટીલ સામે વિરોધનો સૂર પણ ઉઠ્યો. પાટીલ ચર્ચામાં એટલે પણ રહ્યા જ્યારે સરકાર કરતાં સંગઠન મોટું હોવાની છાપ ઉપસી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કડક નિયમોનો અંદરખાને વિરોધ થયો ત્યારે પણ પાટીલ ચર્ચામાં રહ્યા. સૌથી વધુ ચર્ચા થઈ પાટીલના એ નિવેદનની જેને વિરોધીઓ પણ સાચવીને બેઠા છે. પાટીલે 2022માં તમામ 182 બેઠકો જીતવાનો રાજીનામાની શરત સાથે દાવો કર્યો હતો. જેને માનવા તેમના પક્ષના જ ઘણા નેતાઓ તૈયાર નથી. તો કોરોના કાળમાં સુરતમાં 5 હજાર રેમડેસિવિર ઈન્જેક્શન વહેંચતાં પણ પાટીલ વિવાદમાં ફસાયા. હાઈકોર્ટમાં પિટિશન પણ થઈ.

પાટીલના પ્રારંભના એક વર્ષના કાર્યકાળમાં એવો પણ મેસેજ ગયો કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સંગઠનને સીધો ટકરાવ છે. જો કે આ વાતને બંને નેતાઓ એક સીટ પર બેસીને નકારી ચુક્યા છે. આ સિવાય સીઆર પાટીલ સીધું ને સટ બોલતા હોવાથી નાના-મોટા નેતાઓમાં નારાજગી દેખાય છે. અને પાટીલનો એક નિર્ણય ત્યારે સૌથી વધુ બહુચર્ચિત રહ્યો જ્યારે તેમણે કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપમાં પ્રવેશબંધી કરી. કેન્દ્રીય નેતૃત્વ સાથેના સીધા સંબંધોના કારણે સી.આર. પાટીલને નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળી છે. તેનું પરિણામ પણ પક્ષને મળ્યું છે અને ચૂંટણીઓમાં ભવ્ય જીત પણ મળી છે. પરંતુ આગામી ચૂંટણી પહેલાં તેમની સામે અનેક પડકાર છે. જાતિગત સમીકરણો વચ્ચે પેજ પ્રમુખોના સહારે ચૂંટણી જીતવી આસાન નથી અને એ પણ એવા સમયે જ્યારે સંગઠન અને સરકાર વચ્ચે સીધી તકરાર હોય. આવા સંજોગોમાં તેમણે પોતાના 182 બેઠકોના લક્ષ્‍યની નજીક પહોંચવા માટેની રણનીતિમાં કેટલાક સુધારા કરવા પડશે. શું સીઆર પાટીલ રણનીતિ બદલીને મિશન 182 પાર પાડશે કે પહેલા વર્ષની જેમ તોફાની બેટિંગ જેવી આક્રમકતા સાથે બાજી મારશે? તેનો જવાબ આવનારો સમય બતાવશે.

(1:04 am IST)