Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદથી અનેક ડેમ, ચેકડેમ, નદી, તળાવોમાં નવા નીરઃ એનડીઆરએફની એક ટીમ સ્‍ટેન્‍ડ બાયઃ છેલ્લા 24 કલાકમાં રાજ્‍યના 111 તાલુકાઓમાં વરસાદ

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વાદળ ફાટ્યા સમાન સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 111 તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે જ નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તો આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 15 મીમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખેંચાતો જાય છે. હજી આગામી ચાર પાંચ દિવસ અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતાઓ દેખાતી નથી.

વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે જિલ્લાના તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વલસાડ જિલ્લાની ઔરંગા નદી, દમણ ગંગા, પાર અને કોલક નદી પણ બે કાંઠે વહી રહી છે. સાથે જ વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વલસાડમાં રહેલી NDRFની ટીમ પણ એક્શન મોડ પર આવી છે. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 75000 ક્યુસેક પાણી છોડવામાં આવતાં નદી કિનારાના ગામના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી હતી અને જો જરૂર જણાય તો રાહત બચાવની કામગીરી કેવી રીતે કરવી તેના માટે એનડીઆરએફની ટીમે ઓરંગા નદીમાં એક મોક ડ્રિલનું આયોજન કર્યું હતું

(5:16 pm IST)