Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વેક્સિનેશનની કામગીરી ઝડપથી કરવામાં આવે તો જ લોકો બચી શકેઃ ઇન્ડિયન મેડિકલ ઍસોસિઍશનના ગુજરાતના પૂર્વ પ્રમુખ ચંદ્રેશ જરદોશની ચેતવણી

સુરત: સુરતમાં હાલ કોરોનાની બીજી લહેરમાં કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના પૂર્વ પ્રમુખ ચંદ્રેશ જર્દોષ દ્વારા ત્રીજી લહેરને લઈને ચેતવણી આપવામાં આવી છે. તેમના દ્વારા રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે, વેક્સિનેશનની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. ત્યારે વેક્સિનેશનની કામગીરી પૂર ઝડપે શરૂ કરવામાં આવે તો જ લોકો તેનાથી બચી શકશે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં પણ મયૂટન્ટ જોવા મળી રહ્યો છે. જે બે ડોઝ લેનારા લોકોને પણ બાયપાસ કરી લે તેવો ઘાતક છે.

કોરોનાની બીજી લહેર બાદ જે રીતે વેક્સિનેશન થવું જોઈએ, તેના કરતાં ખૂબ જ ધીમી ગતિમાં થઈ રહ્યું છે. દરમિયાન જાણે કોરોના જતો રહ્યો હોય એમ કોઇ ગાઇડલાઈનનો અમલ કર્યા વિના જ લોકો બિન્દાસ પણે ફરી રહ્યા છે. બીજી તરફ કોરોનાનો ડેલ્ટા પ્લસ ઘાતક હોવાની સાથે સાથે તેનો સંક્રમણ ફેલાવવાની ઝડપ પણ વધારે છે. છતાં લોકો સાવચેત થશે નહિ અને વેક્સિનેશનની ગતિ વધશે નહિ તો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ રૂપે કોરોનાની ત્રીજી લહેર આવે તેવી આશંકા ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, આ સાથે ડેલ્ટા પ્લસ 60 થી વધુ દેશોમાં પ્રસરી ગયો છે. ભારતમાં 60 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ડેલ્ટા plus variant ઇમ્યુનિટી પણ બાયપાસ કરી દે છે. એટલે કે વેક્સીન લીધેલા લોકોને પણ આ વેરિયન્ટ થવાની શક્યતા છે, પણ તેમાં જોખમ ઓછું છે. પરંતુ વેક્સીન વિનાના લોકો માટે આ વેરિયન્ટ ઘાતક પૂરવાર થશે. એટલે વેક્સીન લીધી છે તો કોરોના થશે નહીં તેવા વહેમમાં રહેનારા લોકો એ પણ સોશિયલ ડિસ્ટસિંગ, માસ્ક કે સેનેટાઈઝરના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. વયોવૃદ્ધ કે કો-મોર્બિટ લોકો માટે જોખમકારક છે. ત્યારે કોરોના સામેનો જંગ જીતવા માટે દેશમાં એક મહિનામાં ઓછામાં ઓછા ૨૦ કરોડ લોકોને વેક્સિનેશન થવું જોઈએ. પરંતુ મહિનામાં સાતથી આઠ કરોડ લોકોનો જ વેક્સીનેશન થઈ રહ્યું છે, ત્યારે વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચલાવવા માટે સરકારને અનુરોધ કરાયો છે.

(5:16 pm IST)