Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલ સાથે અન્‍ય નેતાઓની નારાજગી હવે જાહેરમાં દેખાઇઃ કોંગ્રેસના અમદાવાદના વિરોધ પ્રદર્શનના કાર્યક્રમના બદલે હાર્દિક પટેલનું રાજકોટમાં આગમન

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલ સાથે અન્ય નેતાઓની નારાજગી છૂપી નથી. હવે આ નારાજગી જાહેરમાં દેખાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના વિરોધમાં હાર્દિક પટેલની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી છે. પક્ષના નેતાઓ સાથે વિરોધ પ્રદર્શનમાં રહેવાને બદલે હાર્દિક પટેલ હાલ રાજકોટ પહોંચ્યા છે. જેને કારણે પક્ષમાં ફરી કાનાફૂસી શરૂ થઈ છે.

એક તરફ અમદાવાદમાં મોંઘવારીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા મોટું વિરોધ પ્રદર્શન કરાયું છે. ત્યારે હાર્દિક પટેલ હાલ રાજકોટમાં છે. તેઓ પક્ષના દિગ્ગજ નેતાઓ સાથે વિરોધ પ્રદર્શનમાં નથી જોડાયા. ગુજરાત કોંગ્રેસ દ્વારા વધતી મોંધવારી મુદ્દે આંદોલન છેડાયુ છે, ત્યારે આ રેલીમાં હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જણાઈ છે. તો બીજી તરફ રાજકોટ (Rajko) પહોંચેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કહ્યુ હતું કે, એક જગ્યાએ સાથે રહીને કામ કરવું તેના કરતાં અલગ અલગ જગ્યાએ કામ કરવું જોઈએ.

આ ઉપરાંત હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, નારાજ મતદારો વિરોધપક્ષ કોંગ્રેસમાં ન જાય અને આમ આદમી પાર્ટીને ઉભી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીને મત મળે અને કોંગ્રેસ સત્તામાં ન આવે તે માટેનું ષડયંત્ર છે.

મોંઘવારીના વિરોધમાં આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે. મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની જનચેતના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતાઓ સાયકલ અને પગપાળા યાત્રા કરશે. તો બીજી તરફ, યૂથ કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ નિખીલ સવાણીએ આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું છે. ત્યારે આવામાં હાર્દિક પટેલ પણ AAP માં જોડાય તેવી અટકળો તેજ બની છે.

(5:17 pm IST)