Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જવાહરલાલ નેહરૂ પંડિત હોત તો રામ મંદિર અવશ્ય બનાવત, તંબુમાંથી શ્રીરામ ભગવાનને મંદિરમાં લઇ જવાનું સૌભાગ્ય નરેન્દ્રભાઇ મોદીના ફાળેઃ નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા

રાજપીપળા: ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને અધ્યક્ષ તરીકે એક વર્ષ પૂર્ણ થતાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા સુગર ફેકટરી અને ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે વૃક્ષારોપણ અને વરસાદી પાણીનો સંગ્રહ કરી અમૂલ્ય પાણી બચાવવાના વરસાદી પાણી સંગ્રહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરોને સંબોધતા પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જો ચૂંટણી જીતવી હશે તો બુથ જીતવું પડશે, આવનારી 2022 વિધાનસભા ચૂંટણીની 182 બેઠકો જીતવા ભાજપના દરેક કાર્યકરોએ બુથ સમિતિ અને પેજ કમીટી પર વધુ ધ્યાન આપવું પડશે.વિધાનસભા ચૂંટણી પેહલા પ્રદીપસિંહ વાઘેલાએ રામ મંદિરનો મુદ્દો ફરી ઉછાડયો હતો, એમણે જણાવ્યું હતું કે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરૂ પંડિત હતા જ નહીં, જો તેઓ પંડિત હોત તો રામ મંદિર અવશ્ય બનાવતા. ભૂતકાળની એક પણ સરકારે રામ મંદિર બનાવ્યું જ નહીં, તંબુ માંથી શ્રી રામ ભગવાનને મંદિરમાં લઈ જવાનું સૌભાગ્ય નરેન્દ્ર મોદીને જાય છે.કોંગ્રેસે તો સુપ્રીમ કોર્ટમાં એફીડેવીટ કર્યું હતું કે રામ સેતુ હતો જ નહીં શ્રી રામ ભગવાન હતા જ નહીં.પણ શ્રી રામ ભારત માતાનું જ સંતાન છે એવું મારે કોંગ્રેસીઓને કેહવું છે.

પ્રદીપ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દેશમાં વિકાસની રાજનીતિ ગુજરાતથી પ્રસ્થાપિત થઈ છે.પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઈએ, આદિવાસી મુખ્યમંત્રી હોવો જોઈએ એવી માંગ ઊઠી છે ત્યારે આ મુદ્દે પ્રદીપ સિંહે જણાવ્યું હતું કે 2022 વિધાનસભા ચૂંટણી બાદ ભાજપનો કાર્યકર મુખ્યમંત્રી બનશે.

આપ અને કોંગ્રેસને કહ્યા દેશ વિરોધી તત્વો

પ્રદીપસિંહ વાઘેલાએ આપ અને કોંગ્રેસને દેશ વિરોધી તત્વો ગણાવ્યા હતા.ગુજરાતમાં આપ ચુંટણી લડશે એ મુદ્દે જણાવ્યું હતું કે દેશ વિરોધીઓ તાકતો એક થઈને ગુજરાતમાં ભાજપને હરાવવા આવવાની છે.ગુજરાતની જનતા દેશ વિરોધી તાકતોને જાકારો આપશે.ગુજરાત પ્રદેશ અધ્યક્ષે લક્ષ્ય મૂક્યું છે કે ગુજરાતમાં 182 બેઠકો જીતીશું.કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસનાં ભાથા લઈ અમે પ્રજા પાસે જઈશું.ગુજરાતની જનતાએ છેલ્લા 25 વર્ષથી ભાજપ પર વિશ્વાસ મુક્યો છે.જે વિશ્વાસ સાથે ફરી ગુજરાતની જનતા બીજેપીને જીત અપાવશે.

(5:23 pm IST)