Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકાઓમાં વરસાદ : વલસાડ જિલ્લામાં સૌથી વધુ નોંધાયો

કાલે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે કાલે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી ચાર પાંચ દિવસ અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતાઓ દેખાતી નથી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલથી સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આણંદ,બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 25 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 15 મીમી. નોંધાયો છે. તે સિવાય નવસારીના ચીખલીમાં 6 મીમી વરસાદ થયો છે. આજે સવારે દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં પણ 2 મીમી વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં 24.64 ટકા વરસાદ થયો છે. ગત વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36 ટકા વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 13 ટકા ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 39 ટકા ની ઘટ છે. રાજ્યમાં 33માંથી 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. તાપીમાં સરેરાશથી 73 ટકા, ગાંધીનગરમાં 69 ટકા તો દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ છે. 9 જિલ્લાઓમાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 6 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે.

(6:13 pm IST)