Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

બેંકે જપ્ત કરેલી કાર એજન્ટ દારૂ પીને ચલાવતાં ડિટેઈન

હપ્તા ભર્યા હોવા છતાં ગાડી પાછી ન મળતાં ભાંડો ફૂટ્યો : ગ્રાહકે તપાસ કરતાં ગાડી પોલીસ સ્ટેશનમાં હોઈ હંગામો મચાવતા બેંક દ્વારા સમાધાન કરવા ગ્રાહકને સમજાવાયો

વડોદરા, તા.૨૦ : જો કોઈ ગ્રાહક લોનના હપ્તા સમયસર ના ભરી શકે તો બેંક તેનું વાહન જપ્ત કરતી હોય છે. જોકે, જપ્ત કરેલા વાહનને સાચવવાની જવાબદારી બેંકની હોય છે, પરંતુ વડોદરામાં તો એક ઉંધો કિસ્સો જોવા મળ્યો છે. જેમાં ગ્રાહકની જપ્ત કરેલી ગાડીને દારુ પીને ચલાવી રહેલો એક એજન્ટ પોલીસના હાથે ઝડપાતા પોલીસે ગાડી ડિટેઈન કરી લીધી છે. બીજી તરફ, ગ્રાહકે બાકી હપ્તા ભર્યા બાદ પણ બેંકમાંથી ગાડી પરત ના મળતા તેણે તપાસ કરાવતા મામલો બહાર આવ્યો હતો.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ બેંકમાંથી લોન લઈને ગાડી ખરીદી હતી. તેઓ નિયમિત હપ્તા પણ ભરતા હતા.

જોકે, કોરોનાના બીજા વેવમાં તેમની આવક બંધ થઈ જતાં તેઓ ત્રણ મહિના સુધી હપ્તા નહોતા ભરી શક્યા. જેના લીધે ૧૦ જુલાઈએ બેંક તરફથી મોકલવામાં આવેલા રિકવરી એજન્ટ તેમની કારને ઘરેથી જપ્ત કરીને પોતાની સાથે લઈ ગયા હતા.

કારને તે રાત્રે જે એજન્ટે જપ્ત કરી હતી તે દારુ પીને ચલાવતા ઝડપાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, રિકવરી એજન્ટ ગાડી લઈ માંજલપુરમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રાત્રે સાડા અગિયાર વાગ્યે પોલીસે તેને અટકાવ્યો હતો. તે નશામાં હોવાનું માલુમ પડતાં પોલીસે ગાડીને ડિટેઈન કરી લીધી હતી. અંગે બેંકે ગ્રાહકને કોઈ જાણ નહોતી કરી. જોકે, તેઓ ૧૩ જુલાઈએ બેંકમાં રુપિયા ભરી પોતાની ગાડી છોડાવવા ગયા ત્યારે બેંકે તેમને ગાડી ક્યારે મળશે તેનો સ્પષ્ટ જવાબ નહોતો આપ્યો.

ગ્રાહકે સતત ત્રણ-ચાર દિવસ સુધી ધક્કા ખાઈને પોતાની ગાડી ક્યાં ગઈ તેની તપાસ કરતાં તેને જાણવા મળ્યું હતું કે તેની ગાડી તો માંજલપુર પોલીસ સ્ટેશનમાં પડી છે. જે રિકવરી એજન્ટ કારને જપ્ત કરી લઈ ગયો તે દારુ પીને તેને ચલાવતા પકડાયો હોવાથી પોલીસે ગાડી ડિટેઈન કરી હોવાની ગ્રાહકને જાણ થતાં તેણે બેંકમાં જઈને હોબાળો મચાવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, મામલો આગળ ના વધે તે માટે બેંક દ્વારા ગ્રાહકને સમાધાન કરી લેવા માટે સમજાવવામાં આવી રહ્યો છે.

(7:36 pm IST)