Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ગુરુવારથી ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓને હોમલર્નિંગ અંતર્ગત શૈક્ષણિક કાર્ય : દૂરદર્શન પરથી પ્રસારણ કરાશે

સવારે 9 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું પ્રસારણ: 31મી જુલાઈ સુધીનો સમયપત્રક જાહેર

અમદાવાદ :  રાજ્યમાં નવા સત્રના પ્રારંભ સાથે શરૂ થયેલા બ્રિજ કોર્સ 17 જુલાઈએ પુર્ણ થયો છે. હવે 22 જુલાઈથી ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓ માટે દુરદર્શન પર હોમલર્નિંગ અંતર્ગત શૈક્ષણિક કાર્યનું પ્રસારણ કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધી અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. હાલમાં 31 જુલાઈ સુધીનો સમયપત્રક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળના મહિનાનો કાર્યક્રમ જાહેર કરાશે.

રાજ્યમાં 7 જૂન, 2021થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. નવા સત્રના પ્રારંભ સાથે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણના બદલે ઓનલાઈન શિક્ષણ જ ચાલી રહ્યું છે. જ્યારે ધોરણ-12માં હવે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં નવા સત્રના પ્રાંરભ સાથે બ્રિજકોર્ષની પણ સરકારના શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓને ગતવર્ષનો અભ્યાસક્રમ ભણાવવામાં આવવાનો હતો.

10 જુનથી 17 જુલાઈ સુધી બ્રિજ કોર્સ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે હોમલર્નિંગ અંતર્ગત દુરદર્શન કેન્દ્ર ડીડી ગીરનાર પર શૈક્ષણિક કાર્યનું પ્રસારણ કરવાનું નક્કી કરાયું છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે રાજ્ય કક્ષાએથી ધોરણ-3થી 5, ધોરણ-6થી 8 અને ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલી વિષયવસ્તુ આધારીત વિડીયો- શૈક્ષણિક પાઠ ટીવીના માધ્યમથી 22 જુલાઈથી શરૂ કરવામાં આવશે.

ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓ માટે દુરદર્શન ડીડી ગીરનાર પરથી 22 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન પ્રસારિત થનારા શૈક્ષણિક વિડીયોનું સમયપત્રક પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. દુરદર્શન પર સવારે 9થી 9-30 વાગ્યે ધોરણ-3ના કાર્યક્રમો પ્રસારિત કરાશે. જ્યારે 9-30થી 10માં ધોરણ-4, 10થી 10-30માં ધોરણ-5, 10-30થી 11 દરમિયાન ધોરણ-6, 11-30થી 12 વચ્ચે ધોરણ-7, 2-30થી 3માં ધોરણ-8, 12થી 1 વચ્ચે ધોરણ-9 અને 10 અને ધોરણ-3થી 4માં ધોરણ-11 અને 12ના ક્લાસનું પ્રસારણ કરાશે

(10:21 pm IST)