Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

અમદાવાદ:કોર્ટમાં 140 કરોડની કરચોરી મામલે ભાવનગર માધવ કોપર લિમિટેડના ડિરેક્ટર સામે ફરિયાદ: ડિરેક્ટર નિલેશ પટેલ ફરાર

763 કરોડના ખોટા બિલો મેળવીને 137 કરોડની ખોટી વેરાશાખ તેમજ ભૌતિક માલ સ્ટોક અને હિસાબી સાહિત્ય મુજબના માલ સ્ટોક અંગેનો 2.83 કરોડનો વેરો મળી કુલ 140.11 કરોડની કરચોરી કરી હોવાનું ખુલ્યું

અમદાવાદ :140 કરોડની વેરાચોરી કરી હોવાની માહિતી મળતા સ્ટેટ GST વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 2017થી અત્યાર સુધીમાં નિલેશ નટુભાઈ પટેલે 763 કરોડના ખોટા બિલો મેળવીને 137 કરોડની ખોટી વેરાશાખ તેમજ ભૌતિક માલ સ્ટોક અને હિસાબી સાહિત્ય મુજબના માલ સ્ટોક અંગેનો 2.83 કરોડનો વેરો મળી કુલ 140.11 કરોડની કરચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

GST વિભાગની તપાસમાં સ્પષ્ટ થયું છે કે માધવ કોપર લિમિટેડ દ્વારા બોગસ પેઢીઓના નામે ખરીદી દર્શાવી RTGS થકી નાણાં બોગસ પેઢીમાં ટ્રાન્સફર કરતા હતા. જેના બદલામાં બોગસ પેઢીમાંથી નાણાં ચેનલાઈઝ કરીને અન્ય બોગસ પેઢીઓ થકી મેળવી લેતા હતા અને માધવ કોપર લિમિટેડના વ્યક્તિને પહોંચી જતા હતા. માધવ કોપર લિમિટેડના ડિરેક્ટર નિલેશ નટુભાઈ પટેલ હાલ ફરાર છે, કંપનીની તપાસ દરમિયાન કંપનીની ફેક્ટરીની જમીન જેની બજાર કિંમત અંદાજે 5થી 7 કરોડની છે.

આ સિવાય બેન્ક એકાઉન્ટ, 10 કરોડનો માલ સ્ટોક, સ્ટાફ કોલોનીના 2 પ્લોટની મિલકતો, પ્લાન્ટ અને મશીનરી તેમજ નિલેશ નટુભાઈ પટેલનો રહેણાંક બંગલો અને ખેતીલાયક જમીન કામચલાઉ ટાંચમાં લીધી છે. આ ઉપરાંત 3.10 કરોડની વેરાશાખ બ્લોક કરવામાં આવી છે. માધવ કોપર લિમિટેડના ડીરેક્ટર નિલેશ નટુભાઈ પટેલને હાજર થવા માટે જીએસટી કાયદાની કલમ 70 મુજબ સમન્સ ઈશ્યુ કર્યુ પરંતુ એ હાજર ન થતાં એમની સામે કાર્યવાહીના ભાગરૂપે કલમ 174 મુજબ અમદાવાદ મેટ્રો કોર્ટમાં એમની સામે ફરિયાદ કરવામાં આવી છે.

 

ત્યારે બોગસ બીલિંગમાં સંડોવાયેલા ભાવનગરના આરોપી રોહિત બાબુભાઈ ડાભીની ધરપકડ કરી છે, જેમણે 64.44 કરોડના બિલ ઈશ્યુ કરીને 11.63 કરોડની વેરાશાખ પાસઓન કરી છે. આ મોડ્સ ઓપરેન્ડી મુજબ ગરીબ અને જરૂરિયાત મંદ વ્યક્તિઓને નાણાંકીય પ્રલોભન આપીને તેમના નામે પેઢીઓ ઉભી કરીને રજીસ્ટ્રેશન મેળવીને આ પેઢીઓ બોગસ બીલિંગના ઓપરેટર ઉભા કરીને કૌભાંડ આચરતા હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. આ કૌભાંડમાં રાજ્ય સરકારને કરોડો રૂપિયાની કર ચોરી કરીને મોટું નુકસાન આચર્યું હોવાની બાબત સામે આવી છે.

જીએસટી વિભાગ દ્વારા 7 જુલાઈ 2021થી આ કેસમાં સંડોવાયેલી બોગસ કંપનીઓ, પેઢીઓ અને બોગસ બીલિંગ ઓપરેટર્સ તેમજ એમની સાથે સંકળાયેલા વ્યક્તિઓના ધંધાના રહેઠાણ ઉપરાંત વિવિધ સ્થળોએ રાજ્યવ્યાપી દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. 12 જુલાઈના રોજ ભાવનગરમાં 9 પેઢીઓના સ્થળે કાર્યવાહી હાથ ધરી જેમાં 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

આ સિવાય 19 જુલાઈના રોજ રોહિત બાબુભાઈ ડાભીની ધરપકડ કરીને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તેમજ કસ્ટોડીયલ પૂછપરછ માટેની માંગણી કરી છે કે વધુ વિગતો બહાર આવી શકે કે હજી કોણ કોણ આ કેસમાં સંડોવાયેલા છે. જી.એસ.ટી. વિભાગ દ્વારા આ મામલે હજુ આગળ તપાસ ચાલી રહી છે.

(12:20 am IST)