Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

ગ્રેડ-પે વધારો કરવાની માંગ સાથે વન વિભાગના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી

ત્રણ દિવસમાં યોગ્ય નિર્ણય કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારવામાં આવી

ગાંધીનગર: પોલીસ કર્મીઓનો ગ્રેડ પે વધારવા મુદ્દે વર્ષોથી રાજકારણ થતું હતું. જે અંગે માંડ પોલીસ કર્મીઓનાં ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યાં હવે વન વિભાગના કર્મચારીઓએ પણ ગ્રેડ-પે વધારો કરવાની માંગ કરી છે. અને સરકાર સામે બાયો ચડાવી છે. ત્રણ દિવસમાં આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

વન વિભાગના કર્મચારીઓની માંગ છે કે, ગુજરાતમાં સૌથી ઓછામાં ઓછો પગાર વનકર્મીઓને ચુકવવામાં આવે છે. હવે વન રક્ષક (ગાર્ડ)ને 2800 અને વન પાલ (ફોરેસ્ટર)ને 4200 ગ્રેડ-પે આપવાની માંગ કરવામાં આવી છે. વન વિભાગમાં ફરજ બજાવતા ચોકીદારોને પણ 1900 રૂપિયા ગ્રેડ પે આપવામાં આવે છે જ્યારે હાલ વન રક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને 1800 રૂપિયા અને વન પાલ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને 2400 રૂપિયા ગ્રેડ પે આપવામાં આવે છે.

વન વિભાગના કર્મચારીઓની માંગણી છે કે તેઓ 24 કલાક નોકરીમાં બંધાયેલા હોય અને આટલા ઓછા પગારમાં મોંઘવારીમાં કઇ રીતે ઘરનું ભરણ પોષણ કરવુ તે પણ સરકાર માટે વિચારવા જેવી વાત છે. રજાના દિવસે નોકરી કરાવવામાં આવતી હોવા છતા રજાનો પગાર પણ આપવામાં આવતો નથી. સમયસર પ્રમોશન પણ આપવામાં આવતુ નથી.

સરકાર સમક્ષ વન કર્મીઓએ માંગ કરી છે કે વન રક્ષકને એક સ્ટાર અને વન પાલને બે સ્ટાર આપવામાં આવે છે. આ સ્ટાર મુજબ સૌથી નીચામાં નીચો પગાર અને નીચામાં નીચો ગ્રેડ પે ચુકવવામાં આવે છે. દરેક તાલુકા સેન્ટર પર રહેવા માટે કોલોની બનાવવામાં યઆવે તો બાળકોને સારૂ ભણવા માટે સગવડ મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવા માંગણી કરી છે. વન વિભાગના કર્મચારીઓએ ચોમાસાની સિઝનમાં પ્લાન્ટેશન અને ઉનાળામાં દવા (આગ) ઓલવવાની તથા રાત્રિના સમયે જંગલી પ્રાણીઓ વચ્ચે નોકરી કરતા હોવા છતા પણ સરકાર વન વિભાગના કર્મચારીઓ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખી રહી છે.

વન વિભાગના કર્મચારીઓએ પોલીસ કર્મીઓના પગાર ભથ્થામાં વધારો થયા બાદ હવે પોતાને અન્યાય થતો હોય તેવી માંગ સાથે સોશિયલ મીડિયા પર આંદોલન શરૂ કર્યુ છે. જેમાં ટ્વિટર પર પણ આંદોલન ધીમે ધીમે વેગ પકડતુ જાય છે અને આગામી દિવસોમાં એક થઇ સરકાર સામે લડી લેવાનો હુંકાર કરવામાં આવી રહ્યો છે.

(9:23 pm IST)