Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

સવારે ૯.૦૦ વાગ્યે : સંત સરોવરના ૧૪ દરવાજા બંધ કરાયા : ૭ ગેટમાંથી ૨૫,૧૧૭ ક્યુસેક્સ પાણી છોડાઈ રહ્યું છે

લોકોને નદી કાંઠે નહીં જવા તાકીદ:ધરોઈ ડેમમાંથી ૩૬,૩૨૦ ક્યુસેક્સ પાણી છોડાઈ રહ્યું છે

ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. ધરોઈ બંધમાંથી પાણીનો આવરો થોડો વધ્યો છે. ગાંધીનગરમાં સંત સરોવરના ૨૧ દરવાજામાંથી ૧૪ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ૭ દરવાજા ખુલ્લા રાખીને હજુ પણ ૨૫,૧૧૭ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. લાકરોડા બેરેજ તરફથી હજુ પણ પાણીની આવક ચાલુ રહેતાં સંત સરોવરની સપાટી ઊંચી આવી છે. નદી કાંઠાના ગામોમાં વસતા નાગરિકોને સલામતીના કારણોસર કાંઠા વિસ્તારમાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે.

શુક્રવારે સવારે ૯.૦૦ વાગ્યાની સ્થિતિએ ધરોઈ બંધમાંથી ૩૬,૩૨૦ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે.  લાકરોડા બેરેજમાંથી ૩૦,૭૬૫ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગાંધીનગરના સંત સરોવરમાં પાણીનું સ્તર જાળવી રાખવા ૧૪ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. બાકીના ૭ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલીને ૨૫,૧૧૭ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. આ રીતે સંત સરોવરમાં જળ સપાટી જાળવી રાખવામાં આવશે એટલે સાબરમતી નદી હજુ પણ બે કાંઠે વહેશે.

નદીમાં પાણીની સપાટી ઊંચી રહેવાથી નાગરિકોને સલામતીના કારણોસર નદી કાંઠાથી દૂર રહેવાની તાકીદ કરવામાં આવી છે.

(10:44 am IST)