Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

દ્વારકા, ડાકોર અને શામળાજીમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર થશે ઉજવણીઃ ભાવિકોના ઘોડાપુર ઉમટ્યા

ભગવાન શ્રીકૃષ્ણનો ૫૨૪૯મો જન્મોત્સવ ઉજવવા ભક્તોમાં અનેરો થનગનાટ: વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન મંદિરમાં જોવા મળી

અમદાવાદઃ આજે સમગ્ર દેશમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીનો જયઘોષ સાંભળવા મળી રહ્યો છે. કારણ કે આજે રાત્રે 12 વાગ્યે જગતના ગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થવાનો છે. આજે ભગવાન શ્રીકૃષ્ણનો 5249મો જન્મોત્સવ છે. આજે જન્માષ્ટમી છે. ત્યારે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર વહેલી સવારથી જ દર્શન માટે ઉમટી પડ્યું છે. ખાસ કરીને ગુજરાતના પ્રસિદ્ધ ત્રણ મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો છે.
ભગવાન દ્વારિકાધિશની નગરી દ્વારિકામાં જન્માષ્ટમીને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન મંદિરમાં જોવા મળી રહી છે. તો રાજ્યના અન્ય બે પ્રસિદ્ધ મંદિરો ડાકોર અને શામળાજીમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ડાકોરમાં રણછોડરાય અને શામળાજીમાં શામળિયા શેઠના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. તો મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજ્યના આ ત્રણેય મંદિરોમાં આજે જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે જન્માષ્ટમીનું પાવન પર્વ છે ત્યારે દેશ કૃષ્ણ જન્મોત્સવમાં ખોવાઈ ગયો છે. દેશ જ નહિ, પણ દુનિયાભરના કૃષ્ણ મંદિરોમાં રંગેચંગે વ્હાલાના વધામણાની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે ભગવાનનો જ્યાં જન્મ થયો હતો તે મથુરામાં એક આગવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મથુરાના શ્રી કૃષ્ણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા છે. ચારે બાજુ ભગવાનનો જયઘોષ થઈ રહ્યો છે. તો ભગવાન બાળગોપાલનું જ્યાં બાળપણ વીત્યુ તે વૃંદાવનમાં પણ એક અનેરો ઉત્સાહ જન્માષ્ટમીને લઈ જોવા મળી રહ્યો છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર દર્શન માટે ઉમટ્યું છે. તો રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરમાં પણ ભગવાનના દર્શન માટે દેશભરમાંથી ભક્તો ઉમટ્યા છે.

 

(11:06 am IST)