Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં ફરી આ તારીખથી મેઘરાજા તૂટી પડશે, જુઓ આજે ક્યાં-ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગે વધુ એક આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. ત્યારે આજે કેટલાંક જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસશે.

આજે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરીવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદ રહેશે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના ઇડરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે તારીખ 22 ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે.
જુઓ આજે કયા-કયા જિલ્લામાં વરસાદ ખાબકશે?
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ વરસ્યો
વધુમાં જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જે અંતર્ગત સૌથી વધુ 2 ઇંચ વરસાદ સાબરકાંઠાના ઇડરમાં પડ્યો છે. એ સિવાય વડાલીમાં પોણા 2 ઇંચ, ધાનેરામાં 1.5 ઇંચ વરસાદ, પોશીનામાં 1.5 ઇંચ, જેતપુર પાવીમાં 1.5 ઇંચ, પાલનપુરમાં 1.5 ઇંચ, ઉમરપાડામાં 1.5 ઇંચ, કલોલમાં સવા ઇંચ, ગાંધીધામમાં સવા ઇંચ, કપડવંજમાં 1 ઇંચ, વાવમાં 1 ઇંચ, પાટણમાં 1 ઇંચ, વિજયનગરમાં 1 ઇંચ, બોડેલીમાં 1 ઇંચ, કપરાડામાં 1 ઇંચ, પ્રાંતિજમાં 1 ઇંચ અને નડિયાદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.

 

(11:40 am IST)