Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીનો ભવ્ય મહોત્સવ, કૃષ્ણ ભક્તોનો જામ્યો મેળાવડો

આજે સમગ્ર દેશમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો તેથી અષ્ટમી તિથિનું વિશેષ મહત્વ છે. આ વખતે જન્માષ્ટમી 18 અને 19 ઓગસ્ટ આ બંને દિવસે ઉજવવામાં આવી રહી છે. કેટલાક સ્થળોએ 18 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, મથુરા અને વૃંદાવનમાં આજે જન્માષ્ટમી છે. તેથી ભગવાન કૃષ્ણના મંદિરોને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યા છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર આ જન્મજયંતિ જોવા માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી ભક્તોની ભીડ મથુરા અને વૃંદાવન પહોંચે છે. આ તહેવારને લઈને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત છે. વહીવટીતંત્રે અનેક દળો તૈનાત કર્યા છે.
મથુરાથી લઈને નોઈડા સુધી ભગવાન કૃષ્ણના મંદિરોને શણગારવામાં આવ્યા છે. લોકો મથુરાના મંદિરનો ભવ્ય નજારો જોવા માટે ઉમટ્યા છે. ભગવાનનું મંદિર આજે ફૂલો અને રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. જન્માષ્ટમીના દિવસે સવારથી જ કૃષ્ણ જન્મભૂમિ મથુરાના મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મથુરાના બજારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

(1:18 pm IST)