Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ભરૂચમાં ત્રણ વર્ષ બાદ ફરી ગોલ્ડનબ્રિજ બંધ : વાહન વ્યવહાર તેમજ ચાલતા જવા ઉપર પણ મનાઈ

ભયજનક વહેતી નર્મદા નદી વચ્ચે લોકો ગોલ્ડનબ્રિજ ઉપર સેલ્ફી, વીડિયો બનાવવા તૂટી પડતા અકસ્માત-દુર્ઘટનનાનું જોખમ રહેતા લેવાયો નિર્ણય

ભરૂચ :  ભરૃચના નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજ  પર લોકો સેલ્ફી લેવા માટે ઉમટી પડતાં સલામતી ખાતર બ્રિજને બંને છેડેથી બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજના બંને છેડે પોલીસે બેરિકેડ ગોઠવી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભરૂચમાં ત્રણ વર્ષ બાદ ફરી ગોલ્ડનબ્રિજ બંધ કરવામાં આવ્યો છે.

ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર આવેલ ગોલ્ડન બ્રિજ પર બંને તરફ પોલીસ વિભાગ દ્વારા વાહન વ્યવહાર અને પગદંડી માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી ભયજનક કરતા બે ફૂટ ઉપર ચાલી રહી છે. રેવામાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના શહેરીજનો વાહનો લઇ તેમજ ચાલતા ગોલ્ડનબ્રિજમાં ઉમટી રહ્યા છે.

આટલું જ નહીં તેઓ મોબાઈલથી જોખમી સેલ્ફી, રિલ્સ અને વીડિયો ઉતારતા હોય અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટનનાનું જોખમ ઉભું થયું હતું. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત પાણીની આવકને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.

 

ભરૂચના ગોલ્ડન બ્રીજ નજીક નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. નર્મદામાં પૂરની સ્થિતિ વચ્ચે લોકો પોતાના જીવન જોખમે નદી કિનારે આવી પોતાના મોબાઇલમાં સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. જેને પગલે ભરૂચ પોલીસ દ્વારા નદીની સપાટીની સેલ્ફી લેવા આવતા લોકોની સલામતી માટે ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર આવેલ ગોલ્ડન બ્રિજ પર બંને તરફ વાહન વ્યવહાર અને પગદંડી માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

 

ગુરૂવારે રાતે ASP વિકાસ સુંડાની હાજરીમાં બ્રિજના બંને છેડે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વાહન વ્યવહાર માટે વાહન ચાલકોએ નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરવા સાથે જ્યાં સુધી નદીની સપાટીમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી ગોલ્ડન બ્રિજ બંધ રાખવા સુચના આપવામાં આવી છે ત્યારે લોકોએ પણ જીવન જોખમે નર્મદા નદી કિનારે કે બ્રીજ ઉપર નહિ જવા અપીલ કરાઈ છે. બ્રિજના ભરૂચ અને અંકલેશ્વર બન્ને છેડે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

(10:04 am IST)