Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

ડીસા પંથકમાં વરસાદ આકાશી આફત બન્યો: પંથકના 30 થી વધુ ગામડાઓ પાણીમાં ગરકાવ

ત્રણ ત્રણ દિવસથી લોકોના ઘરમાં ત્રણથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાયેલુ હોવાથી લોકોને ભારે હાલાકી

ડીસા પંથકમાં વરસાદ આકાશી આફત બનીને વરસ્યો છે. જેમાં ડીસા તાલુકાના 30 થી વધુ ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શેરપુરા અને માલગઢ ગામમાં હજુ પણ ઘરોમાં પાણી યથાવત સ્થિતિમાં છે છેલ્લા ત્રણ ત્રણ દિવસથી લોકોના ઘરમાં ત્રણથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાયેલુ છે. જેથી લોકોની હાલત કફોડી બની ગઈ છે.

ઘરમાં પાણી ભરાતા તમામ ઘરવખરીનો સામાન પાણીમાં ગરકાવ થયો છે. લોકો પોતાના ઘર છોડી ઊંચાણવાળી જગ્યા પર રહેવા મજબૂર બન્યા છે. ભારે વરસાદથી ડીસા તાલુકામાં લોકોની ઘરવખરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તો બીજી તરફ ખેતરોમાં પણ પાણી ભરાયેલા છે અને ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી દિવસ રાત કાઢી મજૂરી કરી વાવેતર કર્યું હતું તે પાક પણ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શેરપુરા અને માલગઢ ગામમાં અત્યારે સરપંચ દ્વારા અસરગ્રસ્ત લોકોને રહેવા માટે અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. તેમજ ડીસા તાલુકા ના ગ્રામીણ વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોને સરકાર સહાય આપે તેવી ગામના સરપંચ અને અસરગ્રસ્ત લોકોની માંગ છે.

(11:11 pm IST)