Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રાજ્યની ત્રણ સરકારી અને એક ખાનગી હ્યુમન મિલ્ક બેંકમાં પ્રિમેચ્યોર બાળકો માટે 21640 માતાએ 2701 લિટર દૂધ ડોનેટ કર્યું

જન્મ આપનારી માતા બાળકને પોતાનું દૂધ પીવડાવવા અસમર્થ હોય ત્યારે આધુનિક યુગની ‘યશોદા’ અજાણ્યા બાળકો માટે પોષક માતા બની છે. રાજ્યની ત્રણ સરકારી અને એક ખાનગી હ્યુમન મિલ્ક બેંકમાં અત્યાર સુધી 21,640 માતાએ આશરે 2,701 લિટર દૂધ ડોનેટ કર્યું છે. 40 અઠવાડિયે જન્મતું બાળક તંદુરસ્ત ગણાય, જ્યારે 32 અઠવાડિયા કરતાં પહેલાં જન્મે તે બાળક પ્રિમેચ્યોર ગણાય છે.

બાળક જન્મે તેના 6થી 8 મહિના સુધી માતાને દૂધ આવે છે

પ્રિમેચ્યોર બાળકોની માતાને પર્યાપ્ત માત્રામાં દૂધ ના આવવાના કારણે બાળકને પાઉડર અથવા ડેરીનું દૂધ આપવું પડે છે. આવા બાળકોના આંતરડાં ખૂબ જ નબળા હોવાથી તે દૂધ પચાવી શકતા નથી. આ કારણે આશરે 20 ટકા બાળકો પેટ અને આંતરડાંનાં ગંભીર કોમ્પ્લિકેશનથી પીડાઈને મૃત્યુ પામે છે. સામાન્ય રીતે બાળક જન્મે તેના 6થી 8 મહિના સુધી માતાને દૂધ આવે છે.­

મૃત્યુ સામે ઝઝૂમતા બાળકોને જીવનદાન આપી શકાય છે
આ સમય ગાળા દરમિયાન કેટલીક માતાને કુદરતી દૂધનો પ્રવાહ વધારે હોય છે. આ માતાઓ એક્સેસ દૂધને ડોનેટ કરી મૃત્યુ સામે ઝઝૂમતા બાળકોને જીવનદાન આપી શકે છે. ડોક્ટરો કહે છે કે, દૂધનો ભરાવો થવાના કારણે માતાને સ્તનનો દુખાવો અથવા ઈન્ફેક્શન થવાનું જોખમ રહેલું છે. આ કારણે મિલ્ક ડોનેટ કરવું માતા માટે પણ આરોગ્યપ્રદ છે. મિલ્ક ફ્લો વધારે હોય એવી માતા દિવસમાં સરેરાશ 200 એમએલથી 800 એમએલ સુધી દૂધ ડોનેટ કરી શકે છે.

10 મહિનામાં 150 લિટર દૂધ ડોનેટ કર્યું
રૂષિના ડૉક્ટર મારફતિયા કહે છે કે, તેમણે દૂધનો ફ્લો સારો હોવાથી પોતાના બાળકને દૂધ આપ્યા બાદ પણ એક્સેસ દૂધ રહેતું હતું. તેમણે 10 મહિનામાં લગભગ 150 લિટર જેટલું દૂધ ડોનેટ કર્યું હતું. પિયર પરિવારમાં ઘણા ડૉક્ટર્સ છે. મારા માસી કહેતા કે, માતાના દૂધનું એક પણ ટીપું વેસ્ટ ના થવું જોઈએ. તેમણે મિલ્ક ડોનેટ કરવાનું સજેશન આપ્યું હતું.

દૂધ પેસ્ચ્યુરાઈઝ અને કલ્ચર કરવું જરૂરી

  • ડોનેટ મિલ્ક માઈનસ 20 ડિગ્રીએ ડિપ ફ્રીઝ થાય છે.
  • 62.5 ડિગ્રીએ દૂધને ગરમ કરી તરત ઠંડું કરાય છે.
  • બેક્ટેરિયા-વાઈરસની તપાસ માટે માઈક્રોબાયોલોજી લેબમાં મિલ્ક કલ્ચર માટે મોકલાય છે.
  • કલ્ચર રિપોર્ટ નેગેટિવ આવે પછી રેડી ટુ યુઝ મિલ્ક ફ્રીઝ કરાય છે.

­પ્રિ-ટર્મ ભાઈની સમસ્યા જોઈ નિર્ણય લીધો
ડૉ. નિશા ભોજવાણી રેડિયોલોજિસ્ટ છે. તેમણે 8 મહિનામાં 24 લિટર દૂધ ડોનેટ કર્યું છે. તે કહે છે કે, 25 વર્ષ પહેલા તેમના ભાઈનો 7 મહિને જન્મ થતાં માતાને ઓછું દૂધ આવતું હતું. ઉપરથી દૂધ આપવાના કારણે ભાઈને પેટમાં ઈન્ફેક્શન થયું હતું. મેં મારા એક્સેસ મિલ્કને જરૂરિયાતમંદ બાળકો માટે ડોનેટ કરવા નિર્ણય કર્યો હતો.

માતાનું દૂધ નવજાત માટે શ્રેષ્ઠ આહાર છે
સિનિયર પીડિયાટ્રિશિયન ડૉ. કે.એમ.મહેરિયા કહે છે કે, નવજાત માટે માતાનું દૂધ શ્રેષ્ઠ આહાર છે.દૂધમાં રહેલું ઈમ્યુનોગ્લોબ્યુલીન્સ નવજાતને ડાયેરિયા, ન્યૂમોનિયા, ચામડી, કિડની અને મગજના ચેપ સામે રક્ષણ આપે છે. એક કિલોથી ઓછા વજનના નવજાતની માતાની મોટી ઉંમર હોય, માતા મૃત્યુ પામી હોય કે હાજર ના હોય તેવા સંજોગોમાં હ્યુમન મિલ્ક આપી બચાવી શકાય છે.

રાજ્યમાં 14 વર્ષથી મિલ્ક ડોનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે

(11:36 am IST)