Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

વડોદરામાં રખડતા ઢોરને કારણે વધુ એકનો ભોગ લેવાયો

વડોદરા:છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. રસ્તા પર ઠેર ઠેર અડિંગો જમાવી દેતા વાહનચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે.  ઘણીવાર અકસ્માતના બનાવો બન્યા અને નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. અનેકવાર તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો, પ્રજા રજૂઆતો કરીને થાકી પરંતુ હજી સુધી સ્થિતિ એની એજ જોવા મળી રહી છે પરિણામે દિવસ જાય તેમ રખડતા પશુઓને કારણે પરિવારે વ્હાલસોયાને ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આજે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. 

વડોદરામાં રખડતા ઢોરના કારણે વધુ એકનો ભોગ લેવાયો. સુભાનપુરાના નંદાલય પાસે જીગ્નેશ રાજપૂત નામના વ્યક્તિનું મોત નીપજ્યું. ગત  મોડી રાત્રે રસ્તા પર બેઠેલી ગાય સાથે તેઓનું બાઇક અથડાયું. રાત્રિના અંધારાને કારણે ગાય ન દેખાતા અકસ્માત સર્જાયો હતો. વળી તે સ્થાન પર સ્ટ્રીટ લાઇટ પણ બંધ હતી. તંત્રની બેદરકારીના કારણે મોત થતા લોકોમાં ભારો ભાર રોષની લાગણી ફરી વળી છે.

પરિવારજનોએ જણાવ્યું કે પશુ માલિકો ગાયને દોહીને રખડતી મુકી દે છે જેને કારણે અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે.  અમારા સ્વજન કાલે નાલંદાવાળા રોડ પરથી આવતા હતા.ત્યારે રાત્રે લાઇટો બંધ હતી. એકદમ જ ગાય આવી ગઇ તો શિંગડુ મારીને ઉલાળીને ફેંકી દીધા અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અમે તો માણસ ગુમાવ્યો, માણસ પાછો નહી આવે. અમને સહાય પણ કોઇ મળવાની નથી. તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવી જોઇએ. દોષિતો સામે પગલા લેવા જોઇએ.

(1:23 pm IST)