Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભાવનગર જીલ્લાની યુવતીના પરીવાર દ્વારા અંગદાન

ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિનની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં બે અંગદાન થકી 5 પીડિતોને નવ અવતરણ :ભાવનગરના ૨૦ વર્ષીય અંકિતાબેન બ્રેઈન ડેડ થતા પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો :દિવસ-રાત, તડકી-છાયડી, વાર-તહેવાર ને ભૂલ્યા વગર સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા અંગદાનનો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવી રહ્યો છે – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન થયા છે. ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિન જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં થયેલ અંગદાનથી બે પીડિત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. 

આ એક બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું છે. જે સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. 

  સિવિલ હોસ્પિટલના ૮૫ માં અંગદાનની વિગતો જોઇએ તો ૨૦ વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના  સાંઢીડા ગામ ના વતની હતા  અંકિતાબેન સાંઢીડા મહાદેવ મંદિરના મહંત ઘનશ્યામપરી કાળુપરી ગૌસ્વામી ની દિકરી છે  16 મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ૧૮ મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હ્યદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. 

 સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલનો અંગદાન ક્ષેત્રનો સેવાયજ્ઞ અવિરત ચાલુ છે. તબીબો દિવસ-રાત, તડકી- છાયડી, વાર – તહેવાર જોયા વગર બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોના સહયોગ થી અંગદાન થકી નવીન જીંવન આપવાના ભાવ સાથે ફરજ રત છે. અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલમાં 86 અંગદાનમાં મળેલા 271 અંગો થકી 248 વ્યક્તિઓને નવ અવતરણ મળ્યું છે. તેમનું જીવન કાર્યક્ષમ બન્યું છે.

(11:45 pm IST)