Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

તિસ્તા સેતલવાડ કેસમાં SITએ પૂર્વ ડીઆઈજી રાહુલ શર્માને પાઠવ્યું સમન્સ

તિસ્તા સેતલવાડ કેસમાં SITએ વધુ એક IPS અધિકારીને સમન્સ પાઠવ્યા

અમદાવાદ :તિસ્તા સેતલવાડ કેસમાં SITએ વધુ એક IPS અધિકારીને સમન્સ પાઠવ્યા છે. SITએ અમદાવાદના ભૂતપૂર્વ DIG અને તત્કાલીન DCP રાહુલ શર્માને સમન્સ પાઠવ્યા છે. કલમ 218 હેઠળ સરકારી અધિકારી હોવાના કારણે ખોટા રેકોર્ડ બનાવીને બીજાને બચાવવાના મામલામાં તપાસ થઈ શકે છે. ગુનાહિત કાવતરાના કેસ અને છેતરપિંડી અંગે પણ તપાસ કરવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે તિસ્તા સેતલવાડની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 25 જૂને તેના એનજીઓ સંબંધિત એક કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમાર પણ જેલમાં છે. તિસ્તા સેતલવાડની 2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ઉચ્ચ અધિકારીઓને સંડોવવા માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

આ પછી ગુજરાત પોલીસે આ મામલે SITની રચના કરી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તેના સોગંદનામામાં આરોપ મૂક્યો છે કે સેતલવાડ અને શ્રીકુમાર તત્કાલીન ભારતીય જનતા પાર્ટીની સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઇશારે મોટા ષડયંત્રનો ભાગ હતા. તેમાં આરોપ છે કે 2002ની ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ તરત જ પટેલના કહેવાથી સેતલવાડને રૂ. 30 લાખ ચૂકવવામાં આવ્યા હતા. આ કેસમાં અન્ય પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ પણ આરોપી હતા. નોંધનીય છે કે કસ્ટોડિયલ ડેથ કેસમાં તે પહેલાથી જ જેલમાં છે.

ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી ઝાકિયા જાફરીની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધાના એક દિવસ પછી સેતલવાડ, શ્રીકુમાર અને ભટ્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની કથિત ભૂમિકાની તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ઝાકિયા જાફરી કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની છે, જે હિંસા દરમિયાન માર્યા ગયા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસના સહ-અરજીકર્તા સેતલવાડે ઝાકિયા જાફરીની ભાવનાઓનું શોષણ કર્યું છે.

(12:40 am IST)