Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

વડોદરા આવેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ અટેકથી મૃત્યુ

ગણપતિ વિસર્જનના બંદોબસ્તમાં વડોદરા આવ્યા હતા : ડ્યુટી પર જવા માટે તૈયાર થઇ રહ્યા હતા ત્યારે ઊલટીઓ થવા લાગી હતી : હોસ્પિટલ લઈ જતા પહેલા જ મોત

વડોદરા, તા.૧૯ : ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં અરવલ્લીથી વડોદરા આવેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ અટેકથી મૃત્યુ થયુ હોવાની કરૂણ ઘટના બની છે. અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા અરવિંદભાઇ વડોદરા ગણપતિ બંદોબસ્તમાં આવ્યા હતા. તેઓ શનિવારે રાત્રે ડ્યુટી કરીને પરત ફર્યા અને સવારે તેઓ ડ્યુટી પર જવા માટે તૈયાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓને ઊલટીઓ થવા લાગી હતી અને બ્લડપ્રેશર ડાઉન થઇ ગયું હતું. જેથી આ હોમગાર્ડ જવાનને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જોકે રસ્તામાં જ હોમગાર્ડ જવાનનું મોત નીપજ્યું હતું.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં હોમગાર્ડ જવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ તેઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ત્યારબાદ હોમગાર્ડ જવાનનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો અને તેને અરવલ્લી લઇ જવામાં આવ્યો હતો. હોમગાર્ડ કલ્યાણ નિધિ ફંડમાંથી મૃતક હોમગાર્ડ જવાનના પરિવારને ૫ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. એક ન્યૂઝ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આજે સવારે હોમગાર્ડ જવાન અરવિંદભાઇ ફરજ પર જવા માટે નીકળવાના હતા. દરમિયાન તેઓને ઊલટીઓ થઇ હતી. જેથી તેઓને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તબીબોએ હોમગાર્ડ જવાનને મૃત જાહેર કરાયા હતા.

આજથી ૩ દિવસ પહેલા રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ પર PSI બનવા માટેની ફિઝિકલ (દોડ)ની પ્રેક્ટિસ કરતા ૨૪ વર્ષીય ભાવેશ મકવાણાનું રનિંગ દરમિયાન હૃદય બેસી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. PSIની ભરતીમાં ૨૫ મિનિટમાં ૫ કિલોમીટરની દોડ પૂરી કરવા માટે ૨૪ વર્ષીય ભાવેશ તૈયારી કરતો હતો, પરંતુ ઁજીૈં બને તે પહેલાં જ તેને કાળ ભરખી ગયો હતો.

(9:07 pm IST)