Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

હેર ટ્રાન્સ્પ્લાન્ટ કરાવ્યા બાદ યુવકનું રહસ્યમય મોત થયું

ત્રીજા દિવસે જ મહેસાણાના યુવકનું મોત : મૃતકના પરિવારે હેર ટ્રાન્સ્પ્લાન્ટ કરનારા ડોક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા : રિપોર્ટમાં સાચું કારણ સામે આવશે

મહેસાણા, તા.૧૯ : વિસનગર તાલુકાના ખંડોસણ ગામના યુવકે મહેસાણા શહેરના જેલરોડ સ્થિત એક હોસ્પિટલમાં હેર ટ્રાન્સ્પ્લાન્ટ કરાવ્યા હતા. જો કે, તેના બે દિવસ બાદ તેનું અચાનક તબિયત બગડ્યા બાદ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હેર ટ્રાન્સ્પ્લાન્ટમાં યુવકનું મોત થયાની શંકા સેવાઈ રહી છે. જેથી પોલીસે મોતનું સાચું કારણે જાણવા માટે યુવકનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ વિસનગર તાલુકાના ખંડોસણ ગામના ૨૩ વર્ષીય યુવકે પોતાના માથાના આગળના ભાગે હેર ટ્રાન્સ્પ્લાન્ટ કરાવવાનો નિર્ણય લીધો હોવાથી યુવકે ત્રણ દિવસ પહેલા મહેસાણાના જેલરોડ પર આવેલા ડો. હિરેન ઓઝાના હોસ્પિટલમાં હેર ટ્રાન્સ્પ્લાન્ટ કરાવ્યું હતું, પરંતુ શનિવારે યુવકનું અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દીકરાનું મોત થતાં પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું છે. સમગ્ર મામલે મૃતક યુવકના પરિવારજનોએ હેર ટ્રાન્સ્પ્લાન્ટના કારણે મોત થયું હોવાની આશંકા વ્યક્તિ કરીને પોલીસને જામ કરી હતી. પોલીસે ડો. હિરેનનું નિવેદન લેતા તેમણે આશંકા નકારી છે. જેથી યુવકનું કયા કારણોસર મોત થયું તે જાણવા માટે પેનલ તબીબો પાસેથી પોસ્ટમોર્ટમ કરવામાં કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, રિપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચું કારણ સામે આવશે.

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉપેરા ગામે શનિવારે સાંજના સમય કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને અચાનક જ લીમડાના ઝાડ પર વીજળી પડતાં નીચે ઉભેલા ત્રણ વ્યક્તિઓ પૈકી બેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ઊંઝાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે આખા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

(9:04 pm IST)