Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રાજ્યમાં 89 તાલુકાઓમાં વરસાદ: મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

ખેડા, પંચમહાલ, આણંદ, વડોદર, પંચમહાલ અને આણંદ જિલ્લામાં મેઘરાજાની પધરામણી

અમદાવાદ : રાજ્યમાં ચોમાસું હાલ સક્રિય છે અને મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. આજે રાજયના 89 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરામાં વરસાદ પડ્યો હતો  સૌથી વધુ ખેડાના ગળતેશ્વર અને પંચમહાલના હાલોલમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો પંચમહાલના ઘોઘંબા , વડોદરાના ડભોઇ અને આણંદના અંકલાવમાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

દેશભરમાં હાલ ચોમાસું સક્રિય છે.તેમાં પણ બંગાળની ખાડીના સમુદ્રતટ પર સર્જાયેલી લોપ્રેશર સિસ્ટમની અસર હેઠળ હાલ ઉત્તર ભારતમાં વરસાદ ચાલુ છે.જોકે હવે તેની સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તરપ્રદેશ પર લોપ્રેશર સક્રિય થયું છે.જ્યારે અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.જેથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

આ બંને સિસ્ટમની અસર હેઠળ ઉત્તર ગુજરાતના પંચમહાલ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે બે દિવસ બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.. વરસાદની સાથે 40થી 50 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

(9:41 pm IST)