Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ભાજપે વ્યકિત બદલ્યા છે, ૨૦૨૨માં ગુજરાતની જનતા સરકાર બદલશે : ભરતસિંહ સોલંકી

લોકોનું ધ્યાન ભટકાવવા અને કોરોનામાં ઘોર નિષ્ફળતાથી લોકોનો રોષ ઠંડો કરવા ભાજપે વ્યકિત બદલવાની કરેલી કામગીરી

રાજકોટ, તા. ર૦ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ કોવિડ-૧૯ ન્યાય યાત્રામાં સરકારની બેદરકારી અંગે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી ગુજરાતના તમામ નાગરિકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે જ્યારે લોકોનું ધ્યાન ભટકાવવા અને કોરોનામાં ઘોર નિષ્ફળતાથી લોકોનો રોષ ઠંડો કરવા ભાજપે વ્યકિત બદલવાની કરેલી કામગીરી, હકિકતમાં વ્યકિત નહી વ્યવસ્થા બદલવાની છે. ભાજપે નેતા નહી નીતિ બદલવાની છે. કોરોના મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય મળે તે માટે કોવિડ-૧૯ ''ન્યાય યાત્રા'' તા. ૧૬મી ઓગસ્ટ થી કોંગ્રેસ પક્ષે શરૂ કરી હતી. કોવિડ-૧૯ ''ન્યાય યાત્રા''માં ચાર અઠવાડિયાના સમય ગાળામાં જ ૩૧,૮૫૦ કરતા વધુ પરિવારોની મુલાકાત લઈ, તેમને સાંત્વના આપી હતી. કોંગ્રેસ પક્ષની જે માંગ છે તે અંગે જે પરિવારોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તે માંગ સરકાર સમક્ષ રજુ કરવા માટે ૩૧,૮૫૦ કરતા વધુ ફોર્મ મૃતકના પરિવારજનોએ ભરાઈને આપ્યા છે. એનો અર્થ, ગુજરાતમાં સરકારના ૧૦,૦૮૧ સત્તાવાર કોરોના દર્દીઓના મૃત્યુઓના આંકડા છે તેના કરતાં ત્રણગણા થી વધુ મોતની માહિતી માત્ર ચાર અઠવાડિયામાં કોંગ્રેસ પક્ષની કોવિડ-૧૯ ''ન્યાય યાત્રા'' માં સામે આવી છે.

ન્યાય યાત્રા દરમ્યાન ઝોન પ્રમાણે પરિવારજનોએ ભરીને આપેલા ફોર્મની સંખ્યા

સૌરાષ્ટ્ર ઝોન ૧૧૨૦૮

ઉત્તર ઝોન ૮૦૪૫

મધ્ય ઝોન ૫૧૩૬

દક્ષિણ ઝોન ૭૪૬૧

કુલ ૩૧૮૫૦

ભાજપ સરકારની ઘોર નિષ્ફળતાના કારણે ગુજરાતની જનતાએ કલ્પી ન શકાય એવુ દુઃખ વેઠ્યુ છે. રાજ્ય સરકારના અણઘડ વહિવટના કારણે અનેક પરિવારોએ જે યાતનાઓ ભોગવી છે, તેનાં પ્રત્યક્ષ પ્રમાણ પણ કોંગ્રેસને અમારી ન્યાય યાત્રા દરમિયાન પ્રાપ્ત થયા છે. હવે ચૂંટણી આવી છે એટલે તેનાં હાઈકમાન્ડે ચહેરો બદલાવીને પોતાના અસલ ચરિત્રને છૂપાવવાની કોશિષ કરી છે. નેતા નહી નિયત બદલો, ચહેરો નહી, વ્યવસ્થા બદલાની જરૂર છે. કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બન્યા. ગર્વમેન્ટ મેઈડ ડીઝાસ્ટર, સરકારી આંકડા મુજબ ૧૦,૦૮૧ લોકોના મૃત્યુ થયા બીજી બાજુ વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૨.૮૧ લાખ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા, જે તાજેતરના હાર્વડના સંશોધનમાં સામે આવ્યું. આ સંસ્થાગત હત્યાઓ પ્રથમ લહેર બાદ બીજી લહેરમાં ઓકિસજન, ખાલી બેડ, રેમડેસિવિર ઈન્જેકશનના કાળાબજાર, દવાના કાળાબજાર, ૧૦૮ એમ્બ્યુલન્સ માટે લાંબી કતારો લાગી, ૪૮ થી ૭૨ કલાક સુધી એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડે, અને મોત પછી સ્મશાન / કબ્રસ્તાનમાં પણ લાઈનો. સરકારની ગુન્હાહિત બેદરકારી, અણઘડ વહિવટ, આયોજનનો અભાવના લીધે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને પરિવારના સ્વજનો ગુમાવવા પડ્યા. વૈશ્વિક મહામારીમાં લોકોને રાહત આપીને મદદરુપ થવાને બદલે કોરાના મહામારીમાં માસ્ક, સેનેટાઈઝર, દવા, ઈન્જેકશન સહિતમાં કાળાબજારીયા–સંગ્રહખોરો બન્યા બેફામ, સરકારે આપેલા લાયસન્સ દ્વારા લેબોરેટરી ટેસ્ટીંગમાં મોટા પાયે કમાણી - નાણાં વસૂલાયા. રેમડેસિવર જે કોવિડ-૧૯ ની સારવારમાં ઉપયોગમાં લેવાય છે જે બજાર કિંમતથી ત્રણ ગણા ભાવથી કાળાબજાર થઈ રહ્યા છે ગુજરાતમાં ટોસીલીઝુમેબ ઈન્જેકશન જેની કિંમત રૂ. ૪૦,૦૦૦ છે જે લાઈફ સેવિંગ માં જરૂરી છે તેવા સમયે તેના ૧ લાખ રૂપિયા સુધી એટલે કે ૨૫૦ ટકા સુધી વધુ વસૂલાય. કોરોના મહામારીના કપરા સમયમાં તમામ મોરચે નિષ્ફળ ભાજપ સરકાર ગુજરાતના લોકોની જિંદગી સાથે ધમણ-૧ના નામે ગંભીર ખેલ ખેલ્યો. સરકારે કોઈપણ જાતની ચકાસણી કર્યા સિવાય ધમણ-૧ ને સીધું ગુજરાતના દર્દીઓની ઉપર અખતરો કર્યો? તેનો પણ સરકાર જવાબ આપે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૦ એ ગુજરાતના અધિક નિયામક (આરોગ્ય) એ પરિપત્ર કરીને જણાવ્યા છતાં સરકાર ભ્ભ્ચ્ કીટ, વેન્ટીલેટર, માસ્ક અને અન્ય સાધનો કેમ ના ખરીદ્યા ? નામદાર હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું છે કે ''સ્વાસ્થ્ય શબ્દમાં નાગરિકની શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીનો સમાવેશ થાય છે. ભારતના બંધારણના આર્ટીકલ-૨૧ અન્વયે સ્વસ્થ રહેવું તે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે''. ''સરકાર જે રીતે કામ કરે છે તેનાથી ગુજરાતના નાગરિકોની શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિને મોટું નુકસાન થયું છે'' ગુજરાત હાઈકોર્ટે આ અવલોકન કરવું પડ્યું. પેન્ડેમીક એકટમાં બે જોગવાઈઓ, એક શિક્ષાત્મક જોગવાઈ અને બીજી કલ્યાણલક્ષી જોગવાઈ. સરકાર દ્વારા શિક્ષાત્મક જોગવાઈ ભરપુર ઉપયોગ કરવામાં આવે, માસ્ક ના પહેર્યુ હોય તો ૧૦૦૦ દંડ, અનેક એકમોને સીલ કરી દેવામાં આવે, અનેક લોકો સામે પોલીસ કેસ કરવામાં આવે અને અનેક જાતની શિક્ષાત્મક કાર્યવાહીઓ છેલ્લા દોઢ વર્ષથી કરવામાં આવી. જે કલ્યાણલક્ષી જોગવાઈ છે. એનોય સદંતર અનદેખી કરવામાં આવે, આ તે કેવા પ્રકારનો ન્યાય ?

આજની વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડાઙ્ખ. મનિષ દોશી, અમદાવાદ શહેરના કા.પ્રમુખશ્રી ચેતન રાવલ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પંકજસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતાં.

(4:03 pm IST)