Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

નવી સરકાર પછીનો પ્રથમ જનાદેશ ૩ ઓકટોબરે : ગાંધીનગરમાં ખરાખરીનો ખેલ

પાટનગરમાં કોર્પોરેશનની તથા ઓખા, ભાણવડ અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી : રાજ્યની અન્ય ૧૦૩ બેઠકોમાં પેટાચૂંટણી : ગાંધીનગરમાં ભાજપ, કોંગી, આપ વચ્ચે જંગ : પરિણામની નોંધ રાજ્યવ્યાપી લેવાશે : ધારાસભાની ચૂંટણી પૂર્વેનું સૌથી મોટુ મતદાન

રાજકોટ તા. ૨૦ : ગુજરાતમાં શ્રી ભૂપેન્દ્ર પટેલના વડપણમાં સરકાર રચાયા પછી પ્રથમ જનાદેશ માંગવાનો અવસર ૩ ઓકટોબરે છે. ગાંધીનગર અને અન્ય ૩ નગરોમાં સામાન્ય ચૂંટણી તથા કેટલીક સુધરાઇઓ તેમજ તાલુકા - જિલ્લા પંચાયતોમાં પેટાચૂંટણી છે. શહેરી અને ગ્રામીણ મતદારોનો પ્રવાહ એક સાથે જાણવા મળશે. સરકારના ઘર આંગણે ગાંધીનગરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો ખેલ છે ત્યાંનું પરિણામ રાજ્યવ્યાપી નોંધપાત્ર બનશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની તથા દ્વારકા જિલ્લાની ઓખા અને ભાણવડ તેમજ બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ૩ ઓકટોબરે મતદાન છે. રાજ્યની અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ પેટાચૂંટણી છે. જેમાં મ્યુ. કોર્પોરેશનની ૩, નગરપાલિકાઓની ૪૫, તાલુકા પંચાયતોની ૪૭ અને જિલ્લા પંચાયતોની ૮ બેઠકોનો સમાવેશ થાય છે. ૨૦૨૨ની ધારાસભાની ચૂંટણી પૂર્વેનો આ સૌથી મોટો જનાદેશ બની રહેશે. કાલે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

પાટનગરની મહાનગરપાલિકામાં આસપાસના સાતેક ગામો ભેળવવામાં આવ્યા બાદ વિસ્તાર વધવાની સાથે વોર્ડની સંખ્યા વધી છે. નવા સીમાંકન મુજબ ૧૧ વોર્ડ અને ૪૪ બેઠકો થઇ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ તે ત્રણેય પક્ષો ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષો મેદાને છે. કોરોનાના કારણે એપ્રિલમાં ચૂંટણી મોકુફ રહેલ. ગયા વખતે ૩૨ બેઠકો પૈકી ભાજપ - કોંગી બન્નેને ૧૬-૧૬ બેઠકો મળી હતી. ત્રણેક લાખ મતદારો છે. ચૂંટણી જંગની જેમ પરિણામ પણ રસપ્રદ બનશે.

(4:04 pm IST)