Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

‘ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત...' સુત્રને સાકાર કરતી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીઃ ખાસ બસ તૈયાર કરીને વિદ્યાર્થીઓને અંગરેજી માધ્‍યમમાં ભણતા હોય તેવો કરાવાતો અનુભવ

બસમાં અંગ્રેજી માધ્‍યમની મોંઘીદાટ શાળાના કલાસ રૂમ જેવી સુવિધા

વડોદરા: વડોદરામાં એક એવી પણ સરકારી શાળા છે કે જે ગરીબ વિદ્યાર્થીઓના ઘરે જઈને બાળકોને પોતે અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા હોવાનો એહસાસ કરાવે છે. ક્યારે પણ કોમ્પ્યુટરને હાથ ન લગાડનાર ગરીબ બાળકો આજે એસી કલાસ રૂમમાં બેસી કોમ્પ્યુટરમાં અભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે.

ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતનું સરકારનું સૂત્ર તો તમે સાંભળ્યું હશે. સરકારના આ સૂત્રને સાકાર કરવાની અનોખી પહેલ વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે. કોરોના કાળમાં જ્યારે ઓફલાઇન શિક્ષણ કાર્ય બંધ થયું.

ત્યારે ગરીબ ઘરના બાળકો પાસે સારા મોબાઈલ, લેપટોપ ન હોવાના કારણે શિક્ષણ માત્ર સપનું બનીને રહી ગયું, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક ખાસ બસ તૈયાર કરવામાં આવી છે. આ બસને અંગ્રેજી માધ્યમની મોંઘીદાટ શાળાના કલાસ રૂમ જેવી જ આબેહૂબ તૈયાર કરવામાં આવી છે.

શહેરના સંવાદ કવટર્સ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા દ્વારા બસમાં તૈયાર કરેલી ડિજિટલ શાળામાં સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. બસની ખાસિયત અંગે વાત કરીએ તો આ બસમાં 19 જેટલા કોમ્પ્યુટર મુકવામાં આવ્યા છે.

વાઈફાઈ, ઈન્ટરનેટ અને એસીની સુવિધા છે અને તેમાં એક સ્માર્ટ સ્ક્રીન પણ મુકવામાં આવી છે. આ તમામ સુવિધા સોલાર સિસ્ટમની મદદથી ચારથી પાંચ કલાક કાર્યરત રહી શકે છે. આ બસમાં પહેલા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ હવે ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓને અહીં ભણાવવામાં આવે છે. વિવિધ સલ્મ વિસ્તારો મળીને આ બસમાં કુલ 300 જેટલા વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એસી બસમાં ઘર આંગણે સારો અભ્યાસ મળતો હોવાથી અહીં ગરીબ ઘરના વિદ્યાર્થીઓ કલાસ અટેન્ડ કરવા માટે પડાપડી કરતા હોય છે.

કેટલીક ખાનગી શાળાના વાલીઓ પોતાના બાળકોને આ સરકારી શાળામાં દાખલો અપાવવા માટે પણ રસ દાખવી રહ્યા છે. સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ ડિજિટલ સ્કૂલ તેમના વિસ્તારમાં આવે એ પહેલાજ સ્કૂલના સ્થળે પોહચી બસની આતુરતાથી રાહ જોતા હોય છે.

(4:58 pm IST)